સફાઈ અપનાવો, બિમારી ભગાવો અભિયાન હેઠળ સફાઈ મિત્રોની આરોગ્ય ચકાસણી યોજાઈ
ભાવનગર, 01 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા સફાઈ અપનાવો, બિમારી ભગાવો જનજાગૃતિ અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સફાઈ મિત્રોના આરોગ્યની કાળજી લેવા વિશેષ આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરન
આરોગ્ય તપાસની


ભાવનગર, 01 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા સફાઈ અપનાવો, બિમારી ભગાવો જનજાગૃતિ અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સફાઈ મિત્રોના આરોગ્યની કાળજી લેવા વિશેષ આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ મિત્રોના આરોગ્યનું જતન થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

આરોગ્ય ચકાસણી દરમિયાન તબીબોની ટીમ દ્વારા સફાઈ મિત્રોનું સામાન્ય સ્વાસ્થ્ય પરીક્ષણ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર, વજન તેમજ અન્ય જરૂરી તપાસ કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્વચ્છતા જાળવવા સાથે વ્યક્તિગત સ્વચ્છતા, સંતુલિત આહાર અને નિયમિત આરોગ્ય તપાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈ મિત્રોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ દરરોજ વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી બજાવતા હોવાથી તેમના આરોગ્યની નિયમિત દેખરેખ રાખવી જરૂરી બને છે. તેથી સમયાંતરે આવા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેથી તેઓ સ્વસ્થ રહી પોતાની ફરજ વધુ સારી રીતે નિભાવી શકે.

કાર્યક્રમ દરમિયાન સફાઈ મિત્રોને જરૂરી સાવચેતી રાખવા, હાથ ધોવાની આદત, માસ્ક અને હાથમોજાં જેવા સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા તેમજ કોઈપણ પ્રકારની આરોગ્ય સમસ્યા જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકાની આ પહેલને સફાઈ મિત્રોએ આવકારી હતી અને તેમના આરોગ્ય પ્રત્યે દર્શાવવામાં આવેલી સંવેદનશીલતા બદલ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. શહેરને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવા સાથે સફાઈ કર્મચારીઓના આરોગ્યની સુરક્ષા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande