
જુનાગઢ 01 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ મુકામે ઉપલા અને નીચલા દાતારના આગામી ઉર્ષ મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત આગામી 23 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તે માટે નીચલા દાતાર પાસે આવેલા દાતાર ટ્રસ્ટની માલિકીની ઉર્ષ મેળાની રિઝર્વ ખુલ્લી જમીન વર્ષ 2026 ના ઉર્ષ મેળા નિમિતે વિવિધ સ્ટોલ માટે જુમલે ઉઘડ ભાડેથી આપવા માટેની જાહેર હરરાજી 11 ઓગસ્ટ ના રોજ બપોરના 12 કલાકે મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર ખાતે ખાતે રાખવામાં આવી છે.
ઉપરોક્ત હરરાજીમાં રસ ધરાવતા નાગરિકોએ સમયસર સ્થળ ઉપર હાજર થવાનું રહેશે. હરરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ડિપોઝિટ પેટે રૂ.15000 ની રકમ જમા કરાવવાની રહેશે. તેમજ હરરાજી માટેની જગ્યાની અપસેટ કિંમત રૂ.1,47,000 સુનિશ્ચિત કરવામાં આવી છે. જેને ખાસ ધ્યાનમાં રાખીને હાજર ઇચ્છુક લોકોએ બોલી લગાવવાની રહેશે.
આ સાથે જ હરરાજીની અન્ય શરતો બોલી શરૂ થાય પહેલા બધાને વાંચીને સંભળાવવામાં આવશે. જે તમામ ઇચ્છુકને બંધનકર્તા રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ