
જૂનાગઢ,01 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, ગુજરાત સરકારની મહિલા સુરક્ષા માટેની 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા આજે એક પીડિત મહિલાની વહારે આવીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢ (જોષીપુરા) વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર એક મહિલાને સામાન્ય બાબતમાં તેના પતિ અને સાસુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી માર મારવામાં આવ્યો હતો.
સાસરીયાના આ ત્રાસથી કંટાળીને પીડિત મહિલાએ તાત્કાલિક 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને સમજીને 181 અભયમ રેસ્ક્યુ વાનની ટીમ (કાઉન્સિલર અંજલિ ભોંયે અને પોલીસ સ્ટાફ ભરમી ઓડેદરા સાથે) ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ તાત્કાલિક મદદ પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અચાનક સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસતા પતિ અને સાસુએ હદ પાર કરી મહિલાને શારીરિક ઇજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ અભયમ ટીમે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી પીડિત મહિલાને સુરક્ષિત આશરો આપ્યો હતો અને તેનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. ત્રણેય પક્ષને સામસામે બેસાડીને દીર્ઘકાલીન કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ સાથે જ કાયદાનું ભાન કરાવીને મારપીટ કરનાર પતિ અને સાસુને કડક શબ્દોમાં કાઉન્સિલિંગ કર્યું હતુ. 181 ની ટીમની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે મહિલાને સમયસર ન્યાયિક અને માનસિક પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે.ટીમે મહિલાના પતિ અને સાસુ સાથે કાયદાકીય સમજૂતી અર્થે કડક શબ્દોમાં કાઉન્સિલિંગ કર્યું હતું. સાસુ અને પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. આ સાથે જ મહિલાને કોઈપણ પ્રકારનો ડર ન રહે અને ભવિષ્યમાં પૂરી સુરક્ષા તથા માન-સન્માન મળી રહે તથા મહિલાને ક્યારેય શારીરિક કે માનસિક ત્રાસ નહીં આપવાની ખાતરી આપી હતી.
અભયમ ટીમના સમયસરના હસ્તક્ષેપ અને સમજાવટને કારણે દોઢ વર્ષનું લગ્નજીવન તૂટતા બચી ગયું હતું. પીડિત મહિલા મુશ્કેલ સમયમાં ત્વરિત સહાય બદલ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ