
કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં વાહન ચોરીના વધતા બનાવો વચ્ચે ભચાઉ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. મોટરસાયકલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરીને કુલ આઠ ચોરાયેલી મોટરસાયકલો રિકવર કરી છે. આ કાર્યવાહીથી માત્ર નોંધાયેલ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો નથી, પરંતુ અન્ય વાહન ચોરીના બનાવોમાં પણ મહત્વની કડીઓ મળવાની શક્યતા ઉભી થઈ છે.ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વાહન ચોરીના કેસમાં સઘન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્થાનિક માહિતીના આધારે પોલીસને મહત્વની સફળતા મળી હતી. તપાસના પગલે મેઘપર ગામના રહેવાસી 30 વર્ષીય ભાવેશ શ્યામગર ગુસાઈને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી હતી. ત્યારબાદ વધુ પૂછપરછમાં આરોપીની સંડોવણી અન્ય વાહન ચોરીના બનાવોમાં પણ સામે આવતા પોલીસે વધુ સાત મોટરસાયકલો કબજે કરી હતી.
પોલીસે કબજે કરેલા વાહનોમાં હીરો સ્પ્લેન્ડર, સુપર સ્પ્લેન્ડર, હીરો હોન્ડા, હોન્ડા સાઈન અને ડ્રીમ યુગા જેવી વિવિધ કંપનીઓની મોટરસાયકલોનો સમાવેશ થાય છે. તમામ વાહનોની કુલ અંદાજિત કિંમત રૂ. 1.85 લાખ જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહીથી ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે વાહન ચોરીના ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે જેથી અન્ય જિલ્લાઓમાં થયેલી વાહન ચોરીની ઘટનાઓ સાથે કોઈ કડી જોડાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ભચાઉ પોલીસની આ સફળ કામગીરીથી વાહન ચોરીના ગુનાઓ પર નિયંત્રણ લાવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar