


કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) ઓગસ્ટ મહિનાના પ્રથમ જ દિવસે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર વરસાદી આંકડાઓ મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કુલ 1066 મી.મી. વરસાદ નોંધાયો છે, જે ચોમાસાની ગતિને વધુ વેગ આપતો આંકડો માનવામાં આવી રહ્યો છે.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાપર તાલુકામાં નોંધાયો છે, જ્યાં કુલ 299 મી.મી. વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ ભચાઉમાં 172 મી.મી. અને ગાંધીધામમાં 116 મી.મી. વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ભુજ શહેરમાં સવારે નોંધાયેલા વરસાદ બાદ બપોર દરમિયાન પણ વરસાદ ચાલુ રહેતાં વધુ 11 મી.મી. વરસાદ નોંધાયો અને કુલ વરસાદનો આંક 101 મી.મી. સુધી પહોંચ્યો. માંડવી અને મુન્દ્રા તાલુકામાં પણ કુલ 74-74 મી.મી. વરસાદ નોંધાયો હતો. લખપતમાં 54 મી.મી., અંજારમાં 64 મી.મી., નખત્રાણામાં 80 મી.મી. તેમજ અબડાસામાં 32 મી.મી. વરસાદ નોંધાતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જામ્યો હતો.
વરસાદને પગલે અનેક ગામડાઓમાં તળાવો અને ચેકડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે, જ્યારે ખેતી માટે પણ આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. વરસાદી માહોલને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ કચ્છમાં મેઘરાજાની આ જોરદાર મહેર ચોમાસાની મોસમને નવી તાજગી અને આશા આપનારી સાબિત થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar