
કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદ અને તેજ પવનની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પશુપાલન વિભાગે પશુપાલકો અને માલધારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલે અપીલ કરતાં જણાવ્યું છે કે સંભવિત અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ દરમિયાન પશુઓની સુરક્ષા માટે સમયસર સાવચેતીના પગલાં ભરવા અત્યંત જરૂરી છે.
તેમણે જણાવ્યું કે વરસાદ શરૂ થાય તે પહેલાં જ પશુઓને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાંથી ખસેડીને ઊંચાણવાળા અને સુરક્ષિત સ્થળોએ રાખવા જોઈએ. ખાસ કરીને ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં પશુઓને સાંકળ, દોરડા અથવા ખીલાથી બાંધી રાખવા નહીં. બંધનમુક્ત પશુ જોખમની સ્થિતિમાં પોતાની રીતે સુરક્ષિત સ્થળે પહોંચી શકે છે, જ્યારે બાંધેલા પશુઓ માટે જીવનું જોખમ વધી શકે છે.
પશુપાલન વિભાગે જર્જરિત મકાનો, નબળી દીવાલો તેમજ પડવાની શક્યતા ધરાવતા વૃક્ષોની નજીક પશુઓને ન રાખવાની પણ ખાસ સલાહ આપી છે. વરસાદી મોસમમાં આવા સ્થળો અકસ્માતનું કારણ બની શકે છે. પશુઓને રાખવા માટે એવી જગ્યા પસંદ કરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં કાદવ અથવા પાણીનો ભરાવો ન થતો હોય.
જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું કે કચ્છ જિલ્લામાં પશુઓની સારવાર માટે જરૂરી દવાઓ અને રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. ઉપરાંત, દરેક તાલુકા સ્તરે આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રેપિડ રિસ્પોન્સ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી સર્જાય તો પશુપાલકો નજીકના પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરે અથવા રાજ્યની પશુ આરોગ્ય હેલ્પલાઈન નંબર 1962 પર મદદ મેળવી શકે છે.
વિભાગે ગૌશાળા, પાંજરાપોળ તેમજ મોટી સંખ્યામાં પશુઓ રાખતા માલધારીઓને પણ વિશેષ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને ગાભણ પશુઓ, નાનાં વાછરડાં, બીમાર પશુઓ તેમજ ઘેટાં-બકરાં જેવા સંવેદનશીલ પશુઓની વધારાની કાળજી રાખવાની જરૂર હોવાનું જણાવાયું છે. સાથે જ વરસાદી માહોલ દરમિયાન સરકાર અને હવામાન વિભાગ દ્વારા જાહેર થતી સૂચનાઓ પર સતત નજર રાખી સમયસર જરૂરી પગલાં લેવા જિલ્લા પશુપાલન વિભાગે તમામ પશુપાલકોને અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar