
કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સે નો ટુ ડ્રગ્સ અભિયાનને વધુ અસરકારક બનાવવા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરીને ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને સ્થાનિક સ્તરે ડ્રગ્સના ગેરકાયદે વેપાર પર મહત્વપૂર્ણ પ્રહાર તરીકે જોવામાં આવી રહી છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાએ સર્વેલન્સ સ્ટાફને સઘન પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરવાની સૂચનાઓ આપી હતી.
દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ચોક, ગલી નંબર-3 વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગાંજાનો જથ્થો વેચાણના હેતુથી છુપાવી રાખવામાં આવ્યો છે. મળેલી માહિતીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી અંદાજે 837.87 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.41893 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પરથી બિપિનસીંગ અર્જુનસીંગ રાજપુત હાલ રહેતા કાર્ગો પી.એસ.એલ. ચોક, ગાંધીધામ અને મૂળ બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના રહેવાસીની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન ગાંજાના જથ્થા ઉપરાંત એક મોબાઇલ ફોન, પ્લાસ્ટિકની નાની કોથળીઓ, આધાર કાર્ડ અને લાઇટ બિલ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો છે.
આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપી પાસેથી ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને વેચાણ કરવામાં આવતો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. પૂર્વ કચ્છ પોલીસનું કહેવું છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે આવનારા સમયમાં પણ આવી જ સખત કાર્યવાહી સતત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar