રૂ. 35 કરોડના વિકાસથી બદલાશે કચ્છનો મહત્વનો માર્ગ: લુડવા–દરશડી–કોજાચોરા રોડ બનશે સુરક્ષિત અને સુવિધાસભર, હજારો લોકોને મળશે રાહત
કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને વધુ સારી માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના પ્રયાસોને વધુ એક મહત્વપૂર્ણ ગતિ મળી છે. અંદાજે ₹35 કરોડના ખર્ચે લુડવા–દરશડી–કોજાચોરા માર્ગનું આધુનિક ધોરણે પુનઃનિર્માણ અને મજબૂતીકરણ ઝડપભે
યુધ્ધના ધોરણે ચાલતું રોડનું કામ


યુધ્ધના ધોરણે ચાલતું રોડનું કામ


યુધ્ધના ધોરણે ચાલતું રોડનું કામ


કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને વધુ સારી માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના પ્રયાસોને વધુ એક મહત્વપૂર્ણ ગતિ મળી છે. અંદાજે ₹35 કરોડના ખર્ચે લુડવા–દરશડી–કોજાચોરા માર્ગનું આધુનિક ધોરણે પુનઃનિર્માણ અને મજબૂતીકરણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. લાંબા સમયથી ખરાબ હાલતમાં રહેલા આ માર્ગના સુધારાથી માત્ર વાહનવ્યવહાર જ સરળ નહીં બને, પરંતુ આસપાસના અનેક ગામોના લોકો માટે રોજિંદી મુસાફરી વધુ સુરક્ષિત અને સમયબચતરૂપ બનશે.

લુડવા, દરશડી, મમાયમોરા, કોજાચોરા સહિત દસથી વધુ ગામોને જોડતો આ માર્ગ વિસ્તારના લોકો માટે જીવનરેખા સમાન છે. કૃષિ, વેપાર, શિક્ષણ અને આરોગ્ય સહિતની દૈનિક જરૂરિયાતો માટે હજારો લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. બીજી તરફ ખાણ-ખનીજના પરિવહન માટે ભારે વાહનોની સતત અવરજવરને કારણે વર્ષો દરમિયાન માર્ગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખાસ કરીને ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાતો અને સ્થાનિકોને કલાકો સુધી ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ષ 2024 દરમિયાન માર્ગના સંપૂર્ણ પુનઃનિર્માણ માટે વિશેષ મંજૂરી આપી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આયોજન મુજબ ગામની વસાહતમાંથી પસાર થતા ભાગમાં મજબૂત સિમેન્ટ કોંક્રીટ (સી.સી.) રોડ બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે બાકીના માર્ગ પર ગુણવત્તાસભર ડામર રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વરસાદી પાણીના સરળ નિકાલ માટે જરૂરી નાળા અને પુલિયાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

હાલમાં ડામર પાથરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને સમગ્ર પ્રોજેક્ટ સમયમર્યાદામાં તથા નિર્ધારિત ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે વિભાગ સતત દેખરેખ રાખી રહ્યો છે. માર્ગ તૈયાર થયા બાદ ભારે વાહનોની અવરજવર વધુ સુવ્યવસ્થિત બનશે, અકસ્માતોની સંભાવનામાં ઘટાડો થશે અને મુસાફરોને વર્ષભર અવરોધમુક્ત માર્ગ સુવિધા મળશે. આ વિકાસ કાર્યથી સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને પણ નવી ગતિ મળશે અને ગ્રામજનો માટે આ માર્ગ ખરેખર વિકાસની નવી ઓળખ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande