
બોટાદ, 01 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લામાં મેઘરાજાએ શનિવારે તોફાની બેટિંગ કરતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ગઢડા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બોટાદ શહેરમાં પોણા ચાર ઇંચ જેટલા વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં શહેર જળબંબાકાર બન્યું હતું.
મુશળધાર વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો તેમજ બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર ધીમી પડી હતી.બીજી તરફ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કપાસ, મગફળી, તલ સહિતના ખરીફ પાકોને આ વરસાદથી ફાયદો થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેતરોમાં પૂરતું પાણી પહોંચતાં પાકના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ નદી-નાળા અને જળાશયો નજીક બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ સંજોગોમાં તાત્કાલિક કામગીરી માટે ટીમોને સજ્જ રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA