

વડોદરા, 01 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરમાં સતત વરસાદ વચ્ચે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. આજે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદી 15 ફૂટે વહેતી હોવાનું નોંધાયું છે. જિલ્લા તંત્રે નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.
ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે સવારે 9:00 કલાકે વિશ્વામિત્રી નદી 15 ફૂટે વહેતી હોવાનું નોંધાયું હતું.
શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત ઊભી થાય તો આર્મી અને એરફોર્સની મદદ પણ લેવામાં આવશે તેવી તૈયારી રાખવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં દવાઓ, પીવાનું પાણી અને જરૂરી ખાદ્યસામગ્રીનો પૂરતો જથ્થો રાખે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું, નદી, કૉઝ-વે અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળે તેમજ બિનજરૂરી મુસાફરી ન કરે.
તંત્ર દ્વારા જાહેર સૂચનાઓ અને ચેતવણીઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિને અનુરૂપ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ