
- સુરેન્દ્રનગર જિલ્લાના 6 ગામોને એલર્ટ
સુરેન્દ્રનગર/અમદાવાદ 01 ઓગસ્ટ (હિ.સ.) આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે (1 ઓગસ્ટ) અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે સતત વરસાદને કારણે વાંસલ ડેમ તેની પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારના ચુડા અને ગોખરવાળા ગામના લોકોને નદીના પટથી દૂર રહેવા અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તાકીદ કરાઈ છે.
બીજી તરફ, સતત આવકના કારણે મૂળી તાલુકાનો નાયકા ડેમ પણ 90% ભરાઈ જતાં ગમે ત્યારે દરવાજા ખોલીને પાણી છોડાય તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપર ગામના રહીશોને તંત્ર દ્વારા, ખાસ સતર્ક રહેવા અને અનિચ્છનીય બનાવ ટાળવા સૂચના અપાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ રાઠોડે જણાવ્યા અનુસાર, વરસાદ દરમિયાન શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી લલૂડી વોકળીમાં, પાણી ભરાવાની સમસ્યા સામે મનપાએ તૈયારીઓ કરી લીધી છે. સ્થળાંતરની જરૂર પડે તો સ્થાનિકો માટે બે જગ્યાએ શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાથે જ મનપાની ટીમ દ્વારા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ (માઇકિંગ) કરીને લોકોને સતર્ક અને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી કુલ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સિઝનનો કુલ વરસાદ 12 ઇંચ નોંધાયો છે, જેમાં સેન્ટ્રલ ઝોનમાં 309 mm, ઇસ્ટ ઝોનમાં 280 mm, અને વેસ્ટ ઝોનમાં 332 mm વરસાદ નોંધાયો છે. હજુ પણ ધીમીધારે વરસાદ સતત વરસી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ