
જુનાગઢ,1 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત મેરા યુવા ભારત (MY Bharat), જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS), નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના સમન્વયથી નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત વિવિધ સર્જનાત્મક અને જનજાગૃતિ આધારિત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 2 ઓગસ્ટ ના રોજ સવારે 9 વાગ્યાથી નોબલ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાશે. કાર્યક્રમ નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનના શુભ પ્રારંભ નિમિત્તે યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંબોધિત કરશે તેમજ નશામુક્ત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા માટે આહ્વાન કરશે.
આ આયોજનનો મુખ્ય હેતુ યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાનો તથા તેમની સર્જનાત્મક અભિવ્યક્તિના માધ્યમથી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો છે. કાર્યક્રમમાં જિલ્લાના 15 થી 29 વર્ષની વયના તમામ ઇચ્છુક યુવાનો ભાગ લઈ શકશે.
કાર્યક્રમ અંતર્ગત ચિત્રકલા, વાદ-વિવાદ, નૃત્ય, સંગીત, રીલ/લઘુ ફિલ્મ, નુક્કડ નાટક, સૂત્રલેખન અને સ્લેમ પોયેટ્રી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.ઇચ્છુક સ્પર્ધકો MY Bharat Portal (www.mybharat.gov.in) પર નોંધણી કરીને પોતાની પસંદગીની સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી કરી શકશે.
કાર્યક્રમમાં ભાગ લેવા અથવા નોંધણી અંગે વધુ માહિતી માટે ઇચ્છુક યુવાનો જિલ્લા યુવા અધિકારી, MY Bharat, જૂનાગઢ કચેરી અથવા રાષ્ટ્રીય સેવા યોજના, નોબલ યુનિવર્સિટી, જૂનાગઢનો સંપર્ક કરી શકે છે. MY Bharat, જૂનાગઢ તથા નોબલ યુનિવર્સિટી દ્વારા જિલ્લાના તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, યુનિવર્સિટીઓ, યુવા મંડળો તેમજ 15 થી 29વર્ષની વયના યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા, નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ