
બોટાદ, 18 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામે ભારે વરસાદ અને રસ્તામાં ભરાયેલા પાણી વચ્ચે 108 ઈમરજન્સી સેવાની ટીમે સગર્ભા મહિલાની ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકને સુરક્ષિત બચાવ્યા હતા.
ચારણકી ગામની મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 સેવાનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં 108 ના ઈ.એમ.ટી. જુબેરભાઈ ગુંદિગરા અને ડ્રાઈવર નિર્મળસિંહ ચાવડા એમ્બ્યુલન્સ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, ભારે વરસાદને કારણે રસ્તામાં પાણી ભરાઈ જતાં એમ્બ્યુલન્સ ગામની અંદર જઈ શકતી ન હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી 108 ની ટીમે જરૂરી તબીબી સાધનસામગ્રી સાથે પગપાળા તેમજ ટુ-વ્હીલરની મદદથી અંદાજે 4 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. સગર્ભાના ઘરે પહોંચ્યા બાદ મહિલાની સ્થિતિ ગંભીર જણાતાં તાલીમબદ્ધ ટીમે તાત્કાલિક તબીબી પ્રક્રિયા શરૂ કરી હતી અને ઘરે જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.
આ દરમિયાન ઈ.આર.સી.પી.ના તબીબ ડૉ. જે.ડી. પટેલની સલાહ મુજબ જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવી હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને જરૂરી દેખરેખ હેઠળ 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.
કપરા સંજોગોમાં પણ 108 ટીમે સમયસર પહોંચીને ફરજ, હિંમત અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમયસર મળેલી તબીબી મદદથી માતા અને બાળક બંનેને સુરક્ષિત સારવાર મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA