
નવસારી, 19 ઓગસ્ટ (હિ.સ.) : નવસારી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરએ વિવિધ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરીને તેના નિકાલ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં કલેક્ટરએ ખાસ કરીને દરેક કચેરીઓને મહત્તમ ઈ-સરકાર મારફતે પત્રવ્યવહાર કરવા જણાવ્યું હતું. કલેક્ટર દ્વારા વર્તમાન ઓગષ્ટ મહિના દરમિયાન જલાલપોરના માણેકપુર, તવડી તથા ચીખલીના મીણકચ્છ ગામની રૂબરૂ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મીણકચ્છ ગામે ગુજરાત ગેસની લાઈન આપવા અંગે આગામી વર્ષના આયોજનમાં લેવામાં આવેલ હોવાનું ગુજરાત ગેસના અધિકારીએ જણાવ્યું હતું. બેઠકમાં કલેક્ટરએ રૂબરૂ અથવા ટપાલથી મળેલી અરજીઓ બાબતે ચર્ચા કરી હતી.
બેઠકમાં કલેક્ટરના હસ્તે વન વિભાગને વનકવચ, આરોગ્યને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શિક્ષણાધિકારી કચેરીને જમીન ફાળવણીના હુકમોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા વનધન વિકાસ કેન્દ્રો બનાવવા માટે જમીનની ફાળવણી કરવા કલેક્ટરએ જે તે પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. તાજેતરમાં નવસારીમાં આવેલા પૂર સંદર્ભે વેપારી રાહત પેકેજ માટેની કામગીરીની પ્રગતિ, સાયક્લોન સેન્ટરની જમીનની ફાળવણી તથા નીટ (NEET) ની પરીક્ષાની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, વાંસદા પ્રાયોજના વહીવટદાર સ્વપ્નિલ સિસેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એન.લિખિયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે