
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લાના સમી તાલુકાના કોડધા ગામ નજીક કોડધા–અનવરપુરા–રાફુ માર્ગ પર રૂ.855 લાખના ખર્ચે આધુનિક વેન્ટેડ કોઝ-વેનું નિર્માણ પૂર્ણ થયું છે. જૂના સી.સી. ડીપના સ્થાને બનેલા આ કોઝ-વેનું કામ 31 જુલાઈના રોજ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ચોમાસામાં સી.સી. ડીપ પર પાણી ઓવરટોપિંગ થતાં કોડધા, અનવરપુરા અને રાફુ સહિતના ગામોનો સંપર્ક વારંવાર કપાઈ જતો હતો. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને લાંબો વૈકલ્પિક માર્ગ લેવો પડતો હતો.
નવા વેન્ટેડ કોઝ-વેના કારણે પાણીના પ્રવાહને સરળતાથી પસાર થવાની વ્યવસ્થા થતાં માર્ગનું જોડાણ જળવાઈ રહ્યું છે. ચાલુ વર્ષે સમી તાલુકામાં 262 મી.મી. વરસાદ નોંધાયા બાદ પણ આ માર્ગ વાહનવ્યવહાર માટે કાર્યરત રહ્યો છે.
માર્ગ અને મકાન વિભાગના હારીજ પેટા વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી ચોમાસામાં વાહનવ્યવહાર ખોરવાવાની અને ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક કપાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ