


પોરબંદર, 18 ઓગસ્ટ (હિ.સ.) આગામી તા. 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર કૃષ્ણસખા સુદામા જન્માષ્ટમી લોકમેળા-2026 ને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રાઈડ્સ ધારકો સાથે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ કમિશનર મનન ચતુર્વેદીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં એમ્યુઝમેન્ટ રાઈડ્સના પરમિટ, લાઇસન્સ, ફિટિંગ, સ્થાપન અને સલામતીના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી.
લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના હોવાથી નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી રાઈડ્સ ધારકોને તમામ નિયમો અને સલામતીના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. રાઈડ્સમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય અને સંપૂર્ણ સલામત સ્થિતિમાં જ તેનું સંચાલન થાય તે અંગે પણ સ્પષ્ટ સૂચના અપાઈ હતી.
બેઠકમાં ચકડોળ, ઝુલા, હોળી, મીની ટ્રેન સહિતની વિવિધ રાઈડ્સના ફિટિંગ અને સ્થાપન અંગે જરૂરી તકનીકી બાબતો સમજાવવામાં આવી હતી. રાઈડ્સ શરૂ કરતા પહેલાં જરૂરી તપાસ, સલામતી માપદંડો, તકનીકી પ્રક્રિયા અને મંજૂરી અંગે રાઈડ્સ ધારકોને માર્ગદર્શન અપાયું હતું.
બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, જિલ્લા રાઈડ સેફટી એન્ડ ઈન્સ્પેક્શન કમિટીના સભ્યો તેમજ રાઈડ્સ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. લોકમેળા દરમિયાન રાઈડ્સનું ફિટિંગ અને સ્થાપન નિયત સલામતી ધોરણો મુજબ થાય તથા નાગરિકોની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya