
સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું કાજુ-પનીરનું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન પરિવારની પાંચ વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતા અશોક કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે એક રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું પંજાબી શાક મંગાવ્યું હતું. ભોજન લીધા બાદ 16 ઓગસ્ટની વહેલી સવારે અશોક કળસરિયા અને તેમની એક પુત્રીને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. સ્થાનિક ક્લિનિકમાં સારવાર લીધા બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો.
આ દરમિયાન દિવસ દરમિયાન પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ બગડવા લાગી હતી. પરિવારની સ્થિતિ વધુ ગંભીર બનતા તબીબોની સલાહથી તમામને વરાછાની સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાત્રે પરિવારની પાંચ વર્ષીય બાળકી આર્યાનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતથી પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.
હાલ અશોક કળસરિયા, તેમની પત્ની અને તેમની અન્ય બે પુત્રીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના જણાવ્યા મુજબ, તબીબી તપાસમાં ફૂડ પોઈઝનિંગની પુષ્ટિ થઈ છે.
ઘટના બાદ પીડિત પરિવારે પોલીસ તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે જો ખોરાકની ગુણવત્તામાં બેદરકારીના કારણે આ ઘટના બની હોય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ભોજનને કારણે જ ફૂડ પોઈઝનિંગ થયું હતું કે અન્ય કોઈ કારણસર પરિવારની તબિયત લથડી હતી, તે અંગેની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે