સુરતમાં ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં હંગામો કરનાર વિદેશી નાગરિકનું પૂછપરછ દરમિયાન મોત, તપાસ શરૂ
સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) મુંબઈથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના જનરલ કોચમાં એક વિદેશી નાગરિકે મુસાફરો સાથે ઝઘડો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતા આરપીએફના જવાનો કોચમાં પહોંચ્યા અને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વધુ
Surat


સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) મુંબઈથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના જનરલ કોચમાં એક વિદેશી નાગરિકે મુસાફરો સાથે ઝઘડો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતા આરપીએફના જવાનો કોચમાં પહોંચ્યા અને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વધુ ઉગ્ર બની મુસાફરો સાથે મારામારી કરવા લાગ્યો.

આ દરમિયાન આરોપીએ ટ્રેનમાં રહેલું ફાયર એક્સ્ટિંગ્યુશર ઉપાડી મુસાફરો પર સ્પ્રે કર્યું હતું. ઘટનાથી ગભરાયેલા કેટલાક મુસાફરોએ પણ તેનો વિરોધ કરી તેને માર માર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ અને જીઆરપીની ટીમે તેને ટ્રેનમાંથી નીચે ઉતારી કસ્ટડીમાં લીધો હતો.

આરપીએફ પોસ્ટ ખાતે પ્રાથમિક પૂછપરછ ચાલી રહી હતી ત્યારે વિદેશી નાગરિક અચાનક બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હાલ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

મૃતક પાસેથી કોઈ પાસપોર્ટ, વિઝા અથવા ઓળખના દસ્તાવેજો મળ્યા નથી, જોકે તેનો મોબાઇલ ફોન મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ તે આફ્રિકન નાગરિક હોવાનું માનવામાં આવી રહ્યું છે અને મુંબઈથી દિલ્હી જતો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેની ઓળખ તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande