
અમદાવાદ,18 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટનો બે આરોપીઓને પર્યાવરણીલક્ષી નિર્ણય આપી જામીન આપ્યા. ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ હેઠળ રાજસ્થળી બીટમાં ગેરકાયદેસર રીતે 1690 જેટલાં મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે.
જેલમાં બંધ બે ફોરેસ્ટ ગાર્ડ્સની નિયમિત જામીન અરજી મંજૂર કરતાં હાઈકોર્ટે બંને આરોપીઓને જેલમાંથી મુક્ત થયાના 15 દિવસમાં પોતાના ખર્ચે વ્યક્તિદીઠ 850-850 વૃક્ષો વાવવા અને સતત 3 વર્ષ સુધી તેનું જતન કરવાની કડક શરત મૂકી છે.
પાલિતાણા ફોરેસ્ટ રેન્જના રાજસ્થળી બીટ ખાતે ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ કરશન ગોહિલ અને કલ્પેશ ડાભી સામે ભારતીય વન અધિનિયમ તેમજ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
બંને ફોરેસ્ટ ગાર્ડે લાકડાના કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ રચી 25,000ની લાંચ/લાભ મેળવી 1690 જેટલાં મોટાં વૃક્ષો ગેરકાયદેસર કપાવા દીધાં હતાં અને વન્યજીવોના કુદરતી આવાસને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
ગુનો નોંધાયા બાદ વન વિભાગ દ્વારા બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
બચાવ પક્ષની રજૂઆત: આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં પોલીસ અને વન વિભાગ દ્વારા તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કરી દેવાઈ છે, મુદ્દામાલ પણ કબ્જે થઈ ચૂક્યો છે. કેસ મેજિસ્ટ્રેટ ટ્રાયેબલ હોવાથી અને બંને આરોપીઓ સસ્પેન્ડ હોવાથી હવે પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા નથી, જેથી જામીન મળવા જોઈએ.
સરકારી વકીલનો વિરોધ: સરકારી વકીલે જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે જેમના શિરે જંગલના રક્ષણની જવાબદારી હતી તેમણે જ ભક્ષકની ભૂમિકા ભજવી વૃક્ષોનો સોથ વાળી દીધો છે.
આવા આરોપીઓને મુક્ત કરવાથી ખોટો સંદેશ જશે.
અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 25,000ના અંગત બોન્ડ પર નીચે મુજબની આકરી શરતો સાથે જામીન મંજૂર કર્યા છે:
વૃક્ષારોપણની શરત જેલમાંથી મુક્ત થયાના 15 દિવસની અંદર રાજસ્થળી બીટ અથવા નિયત વિસ્તારમાં વ્યક્તિદીઠ 850 વૃક્ષો (કુલ 1700 વૃક્ષો) પોતાના ખર્ચે વાવવાના રહેશે.
જાળવણીની મુદત વાવેલાં તમામ વૃક્ષોની 3 વર્ષ સુધી પોતાના અંગત ખર્ચે યોગ્ય જાળવણી કરવાની રહેશે.
સુપરવિઝન અને રિપોર્ટ આ કામગીરીનું સીધું નિરીક્ષણ પાલિતાણા RFO અને DCF-ભાવનગર કરશે અને તેનો પ્રગતિ અહેવાલ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરશે.હાજરીની શરત આગામી 6 મહિના સુધી દર મહિને એક વાર સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સમક્ષ નિયમિત હાજરી પુરાવવી પડશે.
હાઇકોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ નોંધ્યું છે કે, જો નિયત સમયમર્યાદામાં વૃક્ષો વાવવામાં કે તેની જાળવણી કરવામાં કોઈપણ પ્રકારનો ભંગ જણાશે તો આરોપીઓના જામીન આપોઆપ રદ ગણાશે.
ગુજરાત હાઇકોર્ટે આ અરજીની સુનવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, હાઇકોર્ટ પરિસરમાં કન્સ્ટ્રકશન કરવાનું છે ,પરંતુ તે જમીન ઉપર 20 વૃક્ષો આવેલા છે. જેને મૂળમાંથી ઉખાડીને અન્ય સ્થળે પુનઃવાવણી કરવાની છે. પરંતુ તેનું મશીન હાલમાં ઉપલબ્ધ ન હોવાથી કન્સ્ટ્રક્શન કામ અટકી પડ્યું છે અને તમે 1690 વૃક્ષો કપાવી નાખ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ