
ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.)ઉમરાળા તાલુકાના ધોળાવીશી ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને અભ્યાસ માટે સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા આધુનિક AC રીડિંગ લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે 4 કલાકે ધોળાવીશી ગ્રામ પંચાયત ખાતે આ રીડિંગ લાઈબ્રેરીનું આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લાઈબ્રેરીનું ઉદ્ઘાટન સાંસદ તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ GIDC નિયામક પેથાભાઈ ડી. આહીરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાથે જ ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ રોહિતભાઈ બગદરીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ અશોકભાઈ આહીર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ AC રીડિંગ લાઈબ્રેરીમાં ગામના યુવાનો શાંતિપૂર્ણ અને અનુકૂળ વાતાવરણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. ખાસ કરીને ગરમીના દિવસોમાં ACની સુવિધા સાથે અભ્યાસ માટે યોગ્ય માહોલ મળવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા અને તૈયારીમાં વધારો થવાની અપેક્ષા છે.
ધોળાવીશી ગ્રામ પંચાયતની આ પહેલને ઉમરાળા તાલુકામાં શિક્ષણ અને યુવા વિકાસ ક્ષેત્રે અનોખી તથા અનુકરણીય પહેલ તરીકે જોવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતના પ્રયાસોથી ગામમાં અભ્યાસનું વાતાવરણ વધુ મજબૂત બનશે અને યુવાનોને સરકારી નોકરી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે પ્રોત્સાહન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA