બાળકી સાથે ગંભીર મારપીટના કેસમાં ચાઇલ્ડ હેલ્પલાઇન જૂનાગઢની તાત્કાલિક કાર્યવાહી
જૂનાગઢ,18 ઓગસ્ટ (હિ.સ.) ચાઇલ્ડ હેલ્પલાઇન જૂનાગઢ પર એક સગીર બાળકી સાથે ગંભીર રીતે મારપીટ કરવામાં આવી હોવાની માહિતી 1098 હેલ્પલાઇન મારફતે પ્રાપ્ત થઈ હતી. કેસની ગંભીરતા ધ્યાને લઈને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી
બાળકી સાથે ગંભીર મારપીટના કેસમાં ચાઇલ્ડ હેલ્પલાઇન જૂનાગઢની તાત્કાલિક કાર્યવાહી


જૂનાગઢ,18 ઓગસ્ટ (હિ.સ.) ચાઇલ્ડ હેલ્પલાઇન જૂનાગઢ પર એક સગીર બાળકી સાથે ગંભીર રીતે મારપીટ કરવામાં આવી હોવાની માહિતી 1098 હેલ્પલાઇન મારફતે પ્રાપ્ત થઈ હતી. કેસની ગંભીરતા ધ્યાને લઈને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ બાળકી હાઉસિંગ બોર્ડ કોલોની ખાતે રહે છે. બે દિવસ અગાઉ બાળકી દ્વારા બેડ પર પેશાબ થઈ જવાની સામાન્ય ઘટનાને લઈને તેની માતા દ્વારા બાળકી સાથે અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું અને વેલણ તથા ચાર્જિંગ કેબલ વડે માર મારવામાં આવ્યો હતો.

ઘટનાનો વીડિયો સોસાયટીના રહેવાસીઓ દ્વારા વાયરલ થયા બાદ એક જાગૃત નાગરિકે 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન પર જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ચાઇલ્ડ હેલ્પલાઇન જૂનાગઢના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શીતલ મારૂ તથા કાઉન્સેલર પૂનમ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ઘટના સ્થળે બાળકીની સ્થિતિની તપાસ કરતાં બાળકી સાથે ગંભીર રીતે મારપીટ કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. બાળકીની સુરક્ષા અને સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શીતલ મારૂ દ્વારા તાત્કાલિક ૧૧૨ પોલીસ ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકી તથા તેના વાલીને C ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાળકીની માતા વિરુદ્ધ Juvenile Justice (Care and Protection of Children) Act, 2015 ની કલમ 75 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શીતલ મારૂ ફરિયાદી તરીકે આગળ આવ્યા હતા, જેથી બાળકીના હિત અને સુરક્ષાને પ્રાથમિકતા આપી કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત થઈ શકે.

આ દરમિયાન બાળ કલ્યાણ સમિતિ (CWC)ના સભ્યો ધારાબેન તથા અશોકભાઈ દ્વારા પણ ઘટનાની તપાસ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ખાતેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ, રાત્રિના લગભગ 12 વાગ્યા સુધીની કાર્યવાહી પૂર્ણ કરીને, કાયદાકીય SOP મુજબ બાળકીનું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ બાળકીની સુરક્ષા અને સંભાળને ધ્યાનમાં રાખીને તેને શિશુમંગલ ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.બાળકીના શ્રેષ્ઠ હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે બાળકી તથા તેના માતા-પિતાને બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ દ્વારા આપવામાં આવનાર આદેશ અને માર્ગદર્શન મુજબ બાળકીના પુનર્વસન, સુરક્ષા અને પરિવાર સંબંધિત આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ચાઇલ્ડ હેલ્પલાઇન જૂનાગઢ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે બાળકો સાથે કોઈપણ પ્રકારની હિંસા, શારીરિક સજા કે અમાનવીય વર્તન ક્યારેય સ્વીકાર્ય નથી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande