કેશોદ ચાંદીગઢ પાટિયા પાસે વ્યવસાયિક હેતુસર નેશનલ હાઈવેનો ડિવાઇડર તોડનાર સામે કાર્યવાહી
જૂનાગઢ, 18 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. ખાસ કરીને વ્યવસાયિક હેતુસર નેશનલ હાઈવે પર ડિવાઇડર તોડનાર, હાઈવે નજીક ગેરકાયદે દબાણ કરનાર સહિત અન્ય રીતે પણ માર્ગ સલામતીમાં અવરોધરૂપ બનનાર
કેશોદ ચાંદીગઢ પાટિયા પાસે વ્યવસાયિક હેતુસર નેશનલ હાઈવેનો ડિવાઇડર તોડનાર સામે કાર્યવાહી


જૂનાગઢ, 18 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. ખાસ કરીને વ્યવસાયિક હેતુસર નેશનલ હાઈવે પર ડિવાઇડર તોડનાર, હાઈવે નજીક ગેરકાયદે દબાણ કરનાર સહિત અન્ય રીતે પણ માર્ગ સલામતીમાં અવરોધરૂપ બનનાર તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં પણ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

કેશોદના ચાંદીગઢ પાટિયા નજીક વ્યવસાયિક હેતુસર જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર ક્રીશવ પેટ્રોલ પંપના માલિક સામે પણ કેશોદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીની ફરિયાદ મુજબ ડિવાઇડર તોડીને 50000 ની જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તે મુજબ કેશોદ પોલીસે જરૂરી તપાસ શરૂ કરી છે. સાથે જ પેટ્રોલ પંપનું લાયસન્સ રદ થાય તે દિશામાં પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

જિલ્લા કલેક્ટરએ અદાલતી નિર્દેશો મુજબ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા હાઈવે ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. તે મુજબ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર માર્ગ સલામતી માટે પોલીસ, આરટીઓ સહિત સંલગ્ન વિભાગોની ટીમ 24 ×7 સર્વેલન્સ અને પેટ્રોલિંગની કામગીરી કરશે. જિલ્લા કલેક્ટરએ નેશનલ હાઈવેની સાથે અન્ય માર્ગોની પણ માર્ગ સલામતીની દૃષ્ટિએ જરૂરી દેખરેખ રાખવા સૂચનાઓ આપી હતી.

ઉપરાંત, આ ટાસ્ક ફોર્સ ગેરકાયદે દબાણો દૂર કરવા, બ્લેક સ્પોટ સુધારણા, એન્જિનિયરિંગની દૃષ્ટિએ માર્ગ સુધારણા, આંતરવિભાગીય સંકલન સહિતની કામગીરી કરશે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્ય સચિવ નેશનલ હાઈવે, માર્ગ અને મકાન વિભાગ સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande