


ભરૂચ,18 ઓગસ્ટ (હિ.સ.) આમોદ-જંબુસર વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી કેલોદ નજીક મંદિર પાસે પહોંચતા ટ્રેક્ટરોના પાર્કિંગ બાબતે પોલીસે રેલી રોકી હતી. પોલીસે ટ્રેક્ટરોને આગળ જતાં અટકાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને થોડા સમય માટે સ્થળ પર વાતાવરણ ગરમાયું હતું.
પોલીસ દ્વારા ટ્રેક્ટરોને રોકવામાં આવતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેની સમજાવટ બાદ સ્થિતિ થાળે પડી હતી અને ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને આગળ રવાના થયા હતા.
ઘટનાની જાણ થતાં આમોદના પીઆઈ સહિત આમોદ-જંબુસરના ડીવાયએસપી પી.એલ. ચૌધરી પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. બાદમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી આગળ વધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ