

કચ્છ, 18 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી : ૭૬ બેન્ક ખાતામાં રૂ.32.62 કરોડથી વધુની શંકાસ્પદ નાણાકીય હેરફેર, દેશના અનેક રાજ્યોની 127 સાયબર ફ્રોડ ફરિયાદો સાથે કનેક્શન સામે આવ્યું છે.
સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા બેન્ક ખાતાઓના નેટવર્કને તોડી પાડવા માટે શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન MULE HUNT 2.0’ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ગરીબ, જરૂરિયાતમંદ અને મજૂર વર્ગના લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક ખાતાઓ ખોલાવી તેને સાયબર ગુનેગારો સુધી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે પોલીસે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા ‘મ્યુલ એકાઉન્ટ’ અંગે મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાંધીધામ તથા અંજાર આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો વચેટિયાઓ મારફતે લોકોને કમિશન આપવાની લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવતા હોવાનું સામે આવ્યું હતું. આ દસ્તાવેજોના આધારે અલગ-અલગ બેન્કોમાં બચત ખાતા તેમજ અન્ય પ્રકારના ખાતા ખોલાવી તેના બેન્કિંગ ડિટેઇલ્સ સાયબર ગુનાખોરોને આપવામાં આવતા હોવાની વિગતો મળી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ૧૯ બેન્ક ખાતાઓની વિગતો મળી હતી. આ ખાતાઓ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 127 સાયબર ક્રાઇમ ફરિયાદો જોડાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ વધુ તપાસ કરતા અત્યાર સુધીમાં કુલ 76 બેન્ક ખાતાઓની વિગતો મળી આવી છે. આ ખાતાઓમાં સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગ સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિમાંથી મેળવવામાં આવેલી આશરે રૂ.32,62,16,364 ની રકમની ઓનલાઈન લેવડદેવડ થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભારત સરકારના સંબંધિત સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન આ ખાતાઓમાં અનેક પ્રકારના સાયબર ફ્રોડની રકમ પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ, ફેક એપ્લિકેશન ફ્રોડ, WhatsApp મારફતે APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરવાના કિસ્સા, OLX ફ્રોડ, નકલી વેબસાઈટ ફ્રોડ, AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તથા OTP વગર કરવામાં આવેલા સાયબર ફ્રોડનો સમાવેશ થાય છે.
આ ખાતાઓ સાથે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી ફરિયાદોની કડીઓ મળી આવી છે.
તપાસ દરમિયાન આ મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામ અને અંજાર આસપાસના વિસ્તારોમાંથી સંચાલિત થતું હોવાની વિગતો સામે આવી છે. બેન્ક ખાતાની કીટ, ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ જેવી સંવેદનશીલ વિગતો વોટ્સએપ તથા કુરિયર મારફતે અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવતી હોવાની માહિતી પણ તપાસમાં મળી છે. આ નેટવર્કની કડી ગોવા સુધી પહોંચતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સાયબર ક્રાઇમ પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સમગ્ર નેટવર્કની તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં નીચેના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે :
- પાર્થ ચેતનભાઈ ઝાલા, ઉંમર ૨૪ વર્ષ, રહે. ભાવેશ્વરનગર-૩, અંજાર.
- અશ્વિન ગોવિંદભાઈ કાનાણી, ઉંમર ૩૧ વર્ષ, રહે. કૃષ્ણાનગર સોસાયટી, શાળા નં. ૧૧ સામે, અંજાર.
- વશરામ કાળુ કાનાણી, રહે. નારેજી, પીરજી ટ્રાન્સપોર્ટ નજીક, GIDC, ગાંધીધામ.
- કિશન જગદિશભાઈ વાંજા, રહે. GIDC ઝૂંપડા વિસ્તાર, ગાંધીધામ.
- વત્સલ ઉર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કર, ઉંમર ૩૦ વર્ષ, રહે. ભારતનગર, ગાંધીધામ.
આ કેસમાં ત્રણ આરોપીઓ હાલ પોલીસ પકડથી બહાર હોવાનું જણાવાયું છે. તેમાં વડાર હુયોન હોડા, રહે. જૂનું ફળિયું, સિનુગ્રા, તા. અંજાર; કુલદીપ ઉર્ફે કિશન બારોટ, રહે. આદિપુર અને પ્રિયાંક ઉર્ફે બીટુ ઉર્ફે શેઠ રમેશભાઈ ઠક્કરના નામ સામે આવ્યા છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકોના નામ બહાર આવે તેવી શક્યતા છે.
પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના છ મોબાઈલ ફોન, કુલ અંદાજિત કિંમત રૂ.40000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોબાઈલ ફોન સહિતના ડિજિટલ પુરાવાના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ગાંધીધામ ખાતે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા IT એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ PSI એચ.બી. કોવાડિયા સહિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar