કિડાણામાં તીન પત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા
કચ્છ, 18 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ તાલુકાના કિડાણા વિસ્તારમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ અને ગંજીપાનાંનો જથ્થ
કિડાણા જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 18 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ તાલુકાના કિડાણા વિસ્તારમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ અને ગંજીપાનાંનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમી આધારિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાએ સ્ટાફને અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી.

આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ કિડાણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે કિડાણાની યોગેશ્વર સોસાયટી વિસ્તારમાં એક મકાનની આગળની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપાનાથી તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા બે મહિલા અને બે પુરુષ મળી કુલ ચાર શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.14,510 તથા ગંજીપાનાંના 52 પત્તા કબજે કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મીયાણીવાસ, કિડાણાના સલીમ ઉર્ફે ભુરો આમદ કકલ, એક્તાનગર કિડાણાના સબીલ કાસમ મમણ, યોગેશ્વરનગર કિડાણાની મિના નવીનભાઈ મહેશ્વરી અને ભાવના મુકેશભાઈ ભાનુશાળીનો સમાવેશ થાય છે.

આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પો.સ.ઈ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. કિડાણા વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર જુગાર રમતા તત્વોમાં પોલીસની સક્રિય કામગીરીનો સંદેશ પહોંચ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande