
કચ્છ, 18 ઓગસ્ટ (હિ.સ.): ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવ સાથે મલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાની અસરકારક રોકથામ માટે કામગીરી તેજ બનાવવામાં આવી છે. તેના ભાગરૂપે માધાપર ખાતે તાલુકા આરોગ્ય કચેરીમાં આરોગ્ય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિશેષ તાલીમ યોજાઈ હતી. તાલીમનો મુખ્ય હેતુ મેદાની સ્તરે રોગોની વહેલી ઓળખ, સર્વેલન્સ અને સમયસર નિયંત્રણની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો રહ્યો હતો.
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તથા ઈએમઓ ડૉ. કેશવકુમારની સૂચના મુજબ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તાલીમની શરૂઆત તાલુકા બહુહેતુક આરોગ્ય પર્યવેક્ષક રાજુભાઈ ગોર દ્વારા કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમની જરૂરિયાત સમજાવતાં આરોગ્ય કર્મચારીઓની ક્ષેત્રિય જવાબદારી અને રોગ નિયંત્રણમાં તેમની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિએ મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે જરૂરી સાવચેતી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને મેદાની કામગીરી અંગે વિગતવાર સમજણ આપી હતી. જિલ્લા પંચાયતની મલેરિયા શાખાના પ્રકાશભાઈ દુર્ગાણી, અજિતસિંહ અને દામજીભાઈએ મલેરિયા સહિત વિવિધ વાહકજન્ય રોગોની ઓળખ, રોગની સ્થિતિ પર નજર રાખવાની પદ્ધતિ, સંભવિત રોગચાળા સમયે તાત્કાલિક પગલાં અને ફિલ્ડ લેવલની કામગીરી વિશે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓને રોગ સંબંધિત માહિતીનું યોગ્ય નોંધણીકરણ, સમયસર અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા અને કામગીરી દરમિયાન રાખવાની સાવચેતી અંગે પણ સમજાવવામાં આવ્યું હતું. તાલીમનું આયોજન કિંચનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે આરોગ્ય પર્યવેક્ષક સંદીપભાઈએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.
આ તાલીમથી આરોગ્ય કર્મચારીઓને મચ્છરજન્ય તથા અન્ય વાહકજન્ય રોગો સામે અસરકારક રીતે કામગીરી કરવા, સંભવિત રોગચાળાની વહેલી જાણકારી મેળવવા અને જરૂરી નિયંત્રણ પગલાં ઝડપથી અમલમાં મૂકવા માટે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું. ચોમાસા દરમિયાન રોગચાળાના જોખમને ધ્યાનમાં રાખીને આવી તાલીમથી આરોગ્ય વિભાગની મેદાની કામગીરી વધુ સઘન અને સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar