


કચ્છ,18 ઓગસ્ટ (હિ.સ.) માંડવી મતવિસ્તારના મસ્કા ગામે દીકરીઓના આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતમાં પ્રથમ વખત ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ અંતર્ગત કાર્યરત ‘બેટી બચાવો બેટી પઢાવો’ સેલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના અધ્યક્ષસ્થાને દીકરીઓ સાથે સીધો અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
મસ્કા ગામની 105 જેટલી દીકરીઓને લોકપ્રતિનિધિ સાથે સીધી વાતચીત કરવાની તક મળતાં સમગ્ર કાર્યક્રમ જીવંત બન્યો હતો. દીકરીઓએ સફળતા મેળવવા માટે જરૂરી ગુણો, જીવનમાં આવતાં સંઘર્ષો, નિષ્ફળતાનો સામનો, માનસિક મજબૂતી, નેતૃત્વ, જાહેર જીવન અને વ્યક્તિગત વિકાસ જેવા વિવિધ વિષયો અંગે ધારાસભ્યને પ્રશ્નો પૂછ્યા હતા. સફળતા મળ્યા બાદ પણ નમ્રતા કેવી રીતે જાળવી શકાય અને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાને પ્રેરિત રાખવા માટે શું કરવું જોઈએ તેવા પ્રશ્નોએ સંવાદને વધુ વિચારપ્રેરક બનાવ્યો હતો.
ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ દીકરીઓના પ્રશ્નોના જવાબ આપતાં આત્મવિશ્વાસ, શિસ્ત, પ્રમાણિકતા, સતત મહેનત અને સકારાત્મક વિચારસરણીને સફળ જીવનના મુખ્ય આધાર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પડકારો કે નિષ્ફળતાઓથી ગભરાવું નહીં, પરંતુ તેમાંથી શીખીને આગળ વધવું જોઈએ. શિક્ષણને જીવનની પ્રથમ પ્રાથમિકતા બનાવી પોતાના સપનાઓને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવા તેમણે દીકરીઓને પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓએ અભ્યાસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીઓ માટે ગામમાં લાઈબ્રેરીની જરૂરિયાત રજૂ કરી હતી. દીકરીઓની આ માંગને મહત્વ આપતાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ લાઈબ્રેરીના નિર્માણ અને વિકાસ માટે રૂ.૫ લાખની ગ્રાન્ટ જાહેર કરી હતી. આ જાહેરાતને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
કાર્યક્રમમાં મસ્કા ગામના સરપંચ ઉર્મિલાબેન, તાલુકા પંચાયત સભ્ય શિલ્પા ગોર, કિર્તી ગોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રયાસોની પ્રશંસા કરતાં ઉપસ્થિત મહાનુભાવોએ આવા સંવાદો દીકરીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય તેમ જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં બાલિકા પંચાયતની દીકરીઓ, કિશોરીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ ‘યુવા સંવાદ’ કાર્યક્રમ દીકરીઓના વિચાર, પ્રશ્નો અને સપનાઓને મંચ આપતો યાદગાર બની રહ્યો હતો. કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસે આભારવિધિ કરી હતી, જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા DHEWની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar