

મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા-પાલનપુર નેશનલ હાઇવે પર આવેલું વિસનગર તાલુકાનું ભાન્ડુ ગામ આજે ઉત્તર ગુજરાતમાં ‘ડોલરિયા ગામ’ તરીકે આગવી ઓળખ ધરાવે છે. આશરે 60 વર્ષ પહેલાં ગામમાંથી એક પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. ત્યારબાદ વિદેશ જવાનો સિલસિલો શરૂ થયો અને આજે ભાન્ડુના 250થી વધુ પરિવારો અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં વસે છે.
વિદેશમાં સ્થાયી થયા છતાં ગ્રામજનોનો વતન સાથેનો નાતો યથાવત છે. ગામના વિકાસ અને સામાજિક કાર્યોમાં વિદેશમાં વસેલા લોકો આર્થિક સહયોગ આપે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અમેરિકામાં ભાન્ડુના વતનીઓના 80થી વધુ સ્ટોર અને 15થી 20 જેટલા ગેસ સ્ટેશન છે. ખાસ કરીને ‘પટેલ બ્રધર્સ’ના વ્યવસાયમાં પણ ગામના અનેક લોકો જોડાયેલા છે.
વિદેશમાં વસતા ગ્રામજનોના સહયોગથી ગામમાં સીસી રોડ, ગટરલાઇન, પાણીની વ્યવસ્થા અને વડીલો માટે ભોજનાલય સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા, હાઇસ્કૂલ, બાલમંદિર, સેવા સહકારી મંડળી અને દૂધ મંડળી પણ કાર્યરત છે. ગાયકવાડ સમયની પ્રાચીન લાયબ્રેરી ગામની ઐતિહાસિક ઓળખ છે.
ભાદરવા વદ આઠમના દિવસે ‘ધરો આઠમ’ની પરંપરા ઉજવાય છે. જોગણી માતાનો રથ તૈયાર કરી વેરાઇ માતાના મંદિરે હવન બાદ રાત્રે રથ ગામમાં ફેરવવામાં આવે છે.
ગામમાં 30થી વધુ મંદિરો આવેલા છે. આશરે 2500 પરિવારો ધરાવતા ભાન્ડુમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આમ, વિદેશમાં સફળતા મેળવ્યા બાદ પણ વતનના વિકાસમાં યોગદાન આપતું ભાન્ડુ ગામ ઉત્તર ગુજરાતમાં અનોખું ઉદાહરણ બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR