શિહોરી–પાટણ–ઉંઝા–વિસનગર માર્ગ પર રૂ.50 કરોડના ખર્ચે ચારમાર્ગીય મેજર બ્રિજ બનશે
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા શિહોરી–પાટણ–ઉંઝા–વિસનગર માર્ગ પર હયાત બ્રિજની જગ્યાએ અંદાજિત રૂ.50 કરોડના ખર્ચે નવો ચારમાર્ગીય મેજર બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજના નિર્માણથી આ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ, સુરક્ષિત અને
શિહોરી–પાટણ–ઉંઝા–વિસનગર માર્ગ પર રૂ.50 કરોડના ખર્ચે ચારમાર્ગીય મેજર બ્રિજ બનશે


મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા શિહોરી–પાટણ–ઉંઝા–વિસનગર માર્ગ પર હયાત બ્રિજની જગ્યાએ અંદાજિત રૂ.50 કરોડના ખર્ચે નવો ચારમાર્ગીય મેજર બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજના નિર્માણથી આ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ, સુરક્ષિત અને ઝડપી બનવાની સાથે ઉત્તર ગુજરાતનું માર્ગ જોડાણ વધુ મજબૂત બનશે.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાને જોડતો આ માર્ગ વેપાર, ઉદ્યોગ અને યાત્રાધામોની દૃષ્ટિએ મહત્વનો છે. ઐઠોરનું ગણપતિ મંદિર અને ઊંઝાનું સુપ્રસિદ્ધ શ્રી ઉમિયા માતાજી મંદિર હોવાથી ધાર્મિક પ્રસંગો દરમિયાન આ માર્ગ પર વાહનોની અવરજવર વધે છે. નવા બ્રિજથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પણ વધુ સુવિધા મળશે.

હયાત બ્રિજની જગ્યાએ ચારમાર્ગીય બ્રિજ બનતા માર્ગની ક્ષમતામાં વધારો થશે અને વાહનોની અવરજવર સરળ બનશે. તેના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થવાની સાથે મુસાફરીનો સમય પણ ઘટશે. વાહનચાલકોની સલામતી વધારવા ઉપરાંત માલસામાનના પરિવહનને પણ વેગ મળશે.

બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ વચ્ચેનું માર્ગ જોડાણ વધુ સુદૃઢ બનશે. સાથે જ વેપાર-વાણિજ્ય, સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને ધાર્મિક યાત્રાધામોના વિકાસને પણ વેગ મળવાની અપેક્ષા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને ઉત્તર ગુજરાતના માળખાકીય વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande