
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ‘કલા મહાકુંભ 2026-27’ માટે કલાકારોને મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ 05 ઓગસ્ટ સુધી રાખવામાં આવેલી ઓફલાઇન રજીસ્ટ્રેશનની મુદત હવે વધારીને 30 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
કલા મહાકુંભમાં આ વર્ષે કુલ 37 વિવિધ કલા કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ, 21થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના ચાર વયજૂથના કલાકારો ભાગ લઈ શકશે. મુદત લંબાવાતા વધુ કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળશે.
નવા કાર્યક્રમ મુજબ તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓ 01 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્યારબાદ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ 01 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી યોજાશે. પ્રદેશ કક્ષાની સ્પર્ધાઓ 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધાઓ ડિસેમ્બર 2026માં યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR