
અમરેલી,18 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના અવસરે ગુજરાત સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી શહેર સ્થિત પૌરાણિક શ્રી નાગનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ભગવાન ભોળાનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોમાં વિશેષ ધાર્મિક આસ્થા જોવા મળે છે. અમરેલીના નાગનાથ મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન માટે ઉમટી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ નાગનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવી ગુજરાતની સુખાકારી, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિર અમરેલી શહેરની ધાર્મિક આસ્થાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે.
શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના અને દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મંદિર ખાતે સતત ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. મંત્રીની મુલાકાત દરમિયાન મંદિરના સેવકો અને શ્રદ્ધાળુઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મંદિરની ધાર્મિક પરંપરા અને વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai