કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાંચ દિવસીય 'મશરૂમ ઉછેર વ્યવસાયિક તાલીમ' યોજાઈ
સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), નવસારી કૃષિ યુનિવર્સિટી-સુરત અને નાયબ બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મેયરશ્રી માયાબેન માવાણીની અધ્યક્ષતામાં પાંચ દિવસીય ''મશરૂમ ઉછેર વ્યવસાયિક તાલીમ'' યોજાઈ હતી. જેમાં શહે
Surat


સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), નવસારી કૃષિ યુનિવર્સિટી-સુરત અને નાયબ બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મેયરશ્રી માયાબેન માવાણીની અધ્યક્ષતામાં પાંચ દિવસીય 'મશરૂમ ઉછેર વ્યવસાયિક તાલીમ' યોજાઈ હતી. જેમાં શહેર-જિલ્લાના 72 ભાઈ-બહેનોએ મશરૂમ ઉછેરની ટેકનિકલ તાલીમ મેળવી હતી. તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મેયર માયાબેન માવાણીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વ્યાવસાયિક તાલીમોનો મહત્તમ લાભ લઈને સ્વરોજગારી મેળવવા વિશેષ અનુરોધ કર્યો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત આર. શર્માએ જણાવ્યું કે, ભારતમાં મશરૂમનું ઉત્પાદન અને વપરાશ પ્રમાણમાં ઓછો હોવાથી આ ક્ષેત્રમાં સ્વરોજગાર અને વ્યવસાયની અપાર સંભાવનાઓ છે.

નાયબ બાગાયત નિયામક સી.જી. પટેલે તાલીમાર્થીઓને મશરૂમ ઉછેર માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વૈજ્ઞાનિક ડો.રાકેશ કે. પટેલ દ્વારા તાલીમાર્થીઓને સૈદ્ધાંતિક (થિયરી), મશરૂમની બેગ તૈયાર કરવાની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) તેમજ સંપૂર્ણ ટેકનિકલ માહિતી આપવામાં આવી હતી. તાલીમના ભાગરૂપે સહભાગીઓએ 'માનસ એગ્રોટેક, ઇચ્છાપોર, સુરત' ખાતે ઓઇસ્ટર મશરૂમની સ્પોન પ્રોડક્શન લેબની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ સાથે જ ઉચ્ચ બજાર મૂલ્ય ધરાવતા કોર્ડિસેપ્સ મશરૂમ વિશે પણ ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું.

અગાઉ આ કેન્દ્રમાંથી તાલીમ મેળવીને સફળ ઉદ્યોગસાહસિક બનેલા ચેતન મિસ્ત્રી, નૈનેષ પટેલ અને વિરાજ તાળાએ પોતાના સફળતાના અનુભવો રજૂ કર્યા હતા.

મશરૂમ એ જમીન અને સૂર્યપ્રકાશ વિના કૃષિની ઉપપેદાશોમાંથી ઉગાડી શકાતો એક સંપૂર્ણ અને અત્યંત પૌષ્ટિક આહાર છે. તે 70 ટકા જેટલી ઊંચી પાચનશક્તિ ધરાવતા ગુણવત્તાયુક્ત પ્રોટીન ઉપરાંત વિટામિન B, C, B-12, ફોલિક એસિડ, પોટેશિયમ અને ફોસ્ફરસથી સમૃદ્ધ હોય છે. ઓછી કેલરી અને સોડિયમનું નહિવત પ્રમાણ ધરાવતું હોવાથી તે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વિતાથી પીડિત વ્યક્તિઓ માટે ઉત્તમ આહાર ગણાય છે. દક્ષિણ ગુજરાતના અનુકૂળ હવામાનમાં ઓઇસ્ટર (ઢીંગરી) મશરૂમનું સફળતાપૂર્વક ઉત્પાદન મેળવી શકાય છે.

આ સમારોહમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. એચ. રાઠોડ, નવસારી કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો ડો. એમ. સી. પટેલ અને ડો. બી. કે. દાવડા તેમજ સંચાલક ડો. રાકેશ કે. પટેલ સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande