ગોપનાથ મહાદેવ મંદિરમાં ભક્તો માટે નવી ડિજિટલ સુવિધાઓનો પ્રારંભ
ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઐતિહાસિક મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે દેશ-વિદેશમાં વસતા ભક્તોને ગો
ખાત મુહૂર્ત કરતા ધારાસભ્ય


ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઐતિહાસિક મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે દેશ-વિદેશમાં વસતા ભક્તોને ગોપનાથ મહાદેવના દર્શન તેમજ મંદિર અંગેની માહિતી સરળતાથી મળી રહે તે માટે વિવિધ ડિજિટલ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંદિરની સત્તાવાર વેબસાઇટ અને ઓનલાઈન માધ્યમો દ્વારા ભક્તો મંદિરના પૌરાણિક ઈતિહાસ, ધાર્મિક મહત્ત્વ, આરતી તથા પૂજાવિધિ અંગેની માહિતી મેળવી શકશે. સાથે જ દાદાના દર્શન માટે ટાઈમ બુકિંગ, ખાસ VIP દર્શન અને ઈ-દર્શન જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકાશે. આ સુવિધાઓના કારણે દૂર-દૂર રહેતા ભક્તો પણ ટેક્નોલોજીના માધ્યમથી ગોપનાથ મહાદેવ સાથે જોડાઈ શકશે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારથી મંદિરની સત્તાવાર YouTube ચેનલ પર દરરોજની પવિત્ર લાઈવ આરતી અને દાદાના દર્શનનું સીધું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના થકી ભક્તો ઘરેથી પણ આરતી અને દર્શનનો લાભ મેળવી શકશે.

આ ઉપરાંત મોટા ગોપનાથ મહંત જગ્યા ટ્રસ્ટ દ્વારા મંદિરના વિકાસ કાર્યો અંતર્ગત અંદાજે રૂ. 1.65 કરોડના ખર્ચે નિર્માણ થનારા બે VIP રૂમની સાઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગોપનાથ મહાદેવના પૌરાણિક અને આધ્યાત્મિક ઈતિહાસને લોકો સુધી પહોંચાડવાના હેતુથી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ઐતિહાસિક ઓફિશિયલ ડોક્યુમેન્ટરીનું પણ વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું. શ્રાવણ માસના પવિત્ર પ્રારંભે શરૂ થયેલી આ સુવિધાઓથી મંદિરની ધાર્મિક પરંપરા સાથે આધુનિક ટેક્નોલોજીનું સુંદર સંકલન થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande