
પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની વારાહી ગૌશાળા ખાતે સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે કાશીની પવિત્ર માટી ભરેલા કળશ યાત્રાનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાશીથી શરૂ થયેલી આ કળશ યાત્રા કર્ણાવતી થઈ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને ગામડાઓમાં પહોંચી રહી છે. સાંતલપુર તાલુકા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને પવિત્ર માટી ભરેલા કળશ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કળશ કાર્યકરો પોતાના ગામોમાં લઈ જઈ ગ્રામજનો દ્વારા પૂજા-અર્ચના સાથે તેનું સ્વાગત કરાવશે. આ પ્રસંગે સંત રવિદાસજીના સમાનતા, એકતા, ભાઈચારો અને માનવતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાશે.
કળશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સંત રવિદાસજીના જીવન અને વિચારોનો પ્રચાર કરી સમાજમાં સમરસતા અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સંત રવિદાસ મહારાજને શત શત નમન કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ