
ગાંધીનગર,18 ઓગસ્ટ (હિ.સ.) આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને મંગળવારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા રાજ્ય પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરી. ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને પ્રભારી અને જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. પંજાબની જવાબદારી સતીશ પૂનિયાને સોંપવામાં આવી છે. જ્યારે ગુજરાતનો હવાલો તરુણ ચુગને સોંપવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભા સાંસદ તરુણ ચુગ ની નિમણૂક કરી. તેઓ અમૃતસરથી આવે છે અને લાંબા સમયથી પાર્ટી સંગઠનમાં સક્રિય છે. તેઓ તેલંગાણા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રભારી રહી ચૂક્યા છે. નવેમ્બર 2020માં તેમને તેલંગાણા સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની જવાબદારી સોંપવામાં આવી હતી. 2024માં પણ તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રભારી રહ્યા. હવે તેમને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
સાથે અમદાવાદના જગદીશ પટેલને ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડે સાથે સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના ભાજપના નેતા છે. તેઓ 2019માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઓગસ્ટ 2026માં તેમને ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. હવે તેમને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતની 182 વિધાનસભા બેઠકો માટે આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં ચૂંટણી થઈ શકે છે. હાલમાં ભાજપની સરકાર છે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ