
પોરબંદર, 18 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના એક ગામની 14 વર્ષની સગીરાના અપહરણ કેસમાં સગીરાના પિતાએ બગવદર પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે. રજૂઆત મુજબ, મોઢવાડાનો આરોપી સતીષ ભૂરા મોઢવાડીયાએ સગીરાનું અપહરણ કરી ગયો હતો અને પોલીસે 29 મેના રોજ આરોપી તથા સગીરાને શોધી કાઢ્યા હતા.
સગીરાના પિતાનો આક્ષેપ છે કે કાયદેસરની પ્રક્રિયા મુજબ સગીરાને વાલી અથવા ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવાને બદલે બગવદર પોલીસ સ્ટેશનમાં જ બે રાત સુધી રાખવામાં આવી હતી. વધુમાં, જે રૂમમાં આરોપીને રાખવામાં આવ્યો હતો તેની સામે જ સગીરાને રાખી બનાવ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પિતાએ રજૂઆતમાં 28 મે થી 1 જૂન સુધીના બગવદર પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ કબજે કરી તપાસમાં સામેલ કરવાની માગ કરી છે. તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા સગીરાને કથિત રીતે ગેરકાયદે રાખવા અને પોક્સો સંબંધિત નિયમોના ભંગના આક્ષેપોની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક ફોજદારી તથા ખાતાકીય કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. સાથે જ સમગ્ર મામલે સ્વતંત્ર ઉચ્ચ અધિકારી મારફતે સમયબદ્ધ તપાસ કરાવવા, યોગ્ય કાયદાકીય કલમો ઉમેરવા તેમજ સગીરાને જરૂરી રક્ષણ અને વળતર આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ સગીરાના પિતાની અરજીના આધારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ફરિયાદ પક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપી સતીષ મોઢવાડીયાની જામીન અરજી બે વખત નામંજૂર થઈ હોવાનું પિતાએ રજૂઆતમાં જણાવ્યું છે. આરોપી હાલ જેલમાં હોવાનું જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya