ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી ત્રણ યુવકોના મોત
ભાવનગર,18 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતાં ત્રણ યુવકોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકોના આ ઘટનામાં મોત થયા
મૃતક


ભાવનગર,18 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતાં ત્રણ યુવકોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકોના આ ઘટનામાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી પ્રાથમિક વિગતો અનુસાર વાડી વિસ્તારમાં આશરે 11 જેટલા લોકો એકત્ર થઈ જુગાર રમી રહ્યા હોવાની ચર્ચા છે. દરમિયાન પોલીસની રેઇડ પડવાની જાણ થતાં ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી હતી. ભાગતી વખતે ત્રણ યુવકો કુવામાં પડી ગયા હોવાનું પરિવારજનો તરફથી જણાવવામાં આવી રહ્યું છે. ઘટનામાં ત્રણેય યુવકોના મોત થયા હતા.

બનાવની જાણ થતાં આસપાસના લોકો તેમજ પરિવારજનો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચતા કરુણ દૃશ્યો સર્જાયા હતા. ત્રણ યુવકોના અકાળે મોતથી પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.

જોકે, સમગ્ર બનાવને લઈને પોલીસ અને પરિવારજનોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની રેઇડની જાણ થતાં નાસભાગ દરમિયાન આ દુર્ઘટના બની હતી. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વરતેજ પોલીસ દ્વારા રેઇડ પડી હોવાની વાતનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

હાલ સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય યુવકો કુવામાં કયા સંજોગોમાં પડ્યા અને ઘટના સમયે ચોક્કસપણે શું બન્યું હતું તે અંગેની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ઘટનાને પગલે ઉખરલા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande