
પોરબંદર, 18 ઓગસ્ટ (હિ.સ.) જન પ્રતિનિધિ વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના વોલન્ટિયર્સ દ્વારા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન ટ્રસ્ટના વોલન્ટિયર્સ જીગર પંડ્યા, જયેશ પટ્ટ અને રાહુલ રાજાણી દ્વારા કલેક્ટરને અંગદાન જાગૃતિ અભિયાન તથા ટ્રસ્ટની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન જણાવાયું હતું કે મગજના મૃત્યુ (બ્રેઇન ડેથ) બાદ અંગદાન દ્વારા એક વ્યક્તિના વિવિધ અંગોનું દાન કરી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપી શકાય છે. અંગદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી વધુમાં વધુ લોકો અંગદાન માટે સંકલ્પબદ્ધ બને તે માટે જનજાગૃતિ જરૂરી હોવાનું જણાવાયું હતું.ટ્રસ્ટ દ્વારા લોકોને અંગદાન માટે પ્રતિજ્ઞા લેવા તેમજ અંગદાન અંગે યોગ્ય માહિતી મેળવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
કલેક્ટર એસ.ડી. ધાનાણીએ અંગદાન જેવા સેવાકીય કાર્યની પ્રશંસા કરી વોલન્ટિયર્સને શુભેચ્છાઓ પાઠવી હતી અને જનજાગૃતિની પ્રવૃત્તિઓમાં જરૂરી સહકાર આપવા જણાવ્યું હતું. અંગદાન માત્ર દાન નહીં, પરંતુ મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો સંકલ્પ છે. વધુમાં વધુ લોકો અંગદાન અંગે જાગૃત બને તે માટે ટ્રસ્ટ દ્વારા અભિયાનને સતત આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya