મહુવામાં રૂ.2.38 લાખનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત
ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.)રાજ્યમાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી, ગાંધીનગરની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલ
ઝડપાયેલ જથ્થો


ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.)રાજ્યમાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી, ગાંધીનગરની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મહુવા તાલુકાના ડાયમંડ નગર, જીઆઈડીસીની પાછળ આવેલા એક ખાનગી ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ ટીમે ગોડાઉનમાંથી કુલ 8,500 કિલોગ્રામ ઘઉંનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘઉંની અંદાજિત કિંમત રૂ.2,38,000 હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા જથ્થા અંગે તપાસ હાથ ધરી તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની વાસ્તવિક માલિકી કોની છે તે અંગેની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ ઉપરાંત ગાંધીનગરની ટીમ દ્વારા મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે પ્રફુલભાઈ રામજીભાઈ વાઘ દ્વારા સંચાલિત સરકારી વાજબી ભાવની દુકાનની પણ ચકાસણી કરવામાં આવી હતી. દુકાનમાં રહેલા સ્ટોક અને ઉપલબ્ધ રેકર્ડની ખરાઈ કરતાં વિવિધ અનાજના જથ્થામાં નોંધપાત્ર ઘટ જોવા મળી હતી.

ચકાસણી દરમિયાન ઘઉંમાં 1,382.500 કિલોગ્રામ, ચોખામાં 2,581 કિલોગ્રામ અને ખાંડમાં 89.900 કિલોગ્રામની ઘટ નોંધાઈ હતી. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની આકસ્મિક અને સઘન તપાસને પગલે અનાજની ગેરકાયદેસર હેરફેર તથા કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande