
અમદાવાદ,18 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકારે રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન અંતર્ગત અસલી પનીરના નામે બનાવટી/એનાલોગ પનીરનો વેપાર કરવાની મનાઈ ફરમાવી છે
અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી 4 જાણીતા એકમોને સીલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, ડોર-ટુ-ડોર કચરા વાનમાંથી પ્લાસ્ટિક ખરીદીને ગેરકાયદે વેપાર કરતા ભંગારના વેપારી સામે પણ, દંડાત્મક પગલાં લેવાયાં છે.
ખોરાક અને ઔષધ નિયમન અંતર્ગત અસલી પનીરના નામે બનાવટી/એનાલોગ પનીરનો વેપાર કરતા એકમો સામે ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી. શુદ્ધ પનીરના સ્થાને એનાલોગ પનીરનું વેચાણ અને ઉપયોગ જણાતાં દુકાનને સીલ કરાઈ. ડેરી ઉત્પાદનોની તપાસમાં નિયમ વિરુદ્ધ એનાલોગ પનીર મળી આવતાં તાત્કાલિક અસરથી સીલિંગની કાર્યવાહી કરાઈ.
વારંવાર ગરમ કરાયેલા કૂકિંગ ઓઈલના સેમ્પલ ટેસ્ટિંગમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) નું પ્રમાણ નિયત મહત્તમ 25 ટકાની મર્યાદા સામે 31.5 ટકા જેટલું અત્યંત જોખમી મળી આવતાં એકમને સીલ કરવામાં આવ્યું. ખાણીપીણીની ગ્રેવીમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા કૃત્રિમ/સિન્થેટિક કલરનો મર્યાદા બહાર ઉપયોગ થતો હોવાનું ખુલતાં રેસ્ટોરન્ટ સીલ કરાઈ.
સીલ કરાયેલા એકમોમાં ખોડિયાર ડેરી ફાર્મ ખોખરા એનાલોગ પનીરનો ઉપયોગ સીલ,શ્રી કૈલાશ દુગ્ધાલય નારણપુરા એનાલોગ પનીરનો ઉપયોગ સીલ, મુંબઈયા મિસલ વડાપાવ જગતપુર તેલમાં TPC નું વધુ પ્રમાણ (31.5%) સીલ,ઓમ શક્તિ ધ રેસ્ટોરન્ટ નરોડા સિન્થેટિક ફૂડ કલરનો વધુ પડતો ઉપયોગ સીલ
જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હેબતપુર રેલ્વે ક્રોસિંગ (થલતેજ વોર્ડ) નજીક તપાસ હાથ ધરાઈ હતી. ‘B.N પસ્તીભંડાર’ નામનો દુકાનદાર, મનપાના ડોર-ટુ-ડોર કલેક્શન વાહનના સફાઈ કર્મચારીઓને અલગ કરેલું પ્લાસ્ટિક વેચવા પ્રોત્સાહિત કરી ગેરકાયદે ખરીદી કરતો ઝડપાયો હતો.
દુકાનની બહાર ગેરકાયદે ભંગાર નાખી ગંદકી કરવા તેમજ ગાર્બેજ સેગ્રીગેશનના નિયમભંગ બદલ વેપારીને સ્થળ પર જ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
એએમસી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા અને મનપાના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ એકમ સામે ભવિષ્યમાં વધુ આકરી કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ