
સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલી મહાવીર પેલેસ સોસાયટીમાં ભારે લોખંડનો જર્જરિત ગેટ અચાનક તૂટી પડતાં ચાર વર્ષના સની કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગંભીર ઈજાઓ અને વધુ લોહી વહેતા બાળકને બચાવી શકાયું નહોતું. પરિવાર બે મહિના પહેલાં જ સુરતમાં રહેવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીનો ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને તેના સમારકામ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જોકે સમયસર કાર્યવાહી ન થતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકોનું કહેવું છે. અકસ્માત બાદ પરિસરમાં લાગેલા CCTV કેમેરા બંધ હોવાનું સામે આવતાં સમગ્ર ઘટનાને લઈને અનેક શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ઘટનાના સમયે કોઈ સ્થાનિક મદદે આવ્યું નહોતું અને પોલીસ પણ સહકાર આપવાને બદલે પૂછપરછના નામે હેરાનગતિ કરી રહી છે. બીજી તરફ, ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે