
- પિતા, પુત્રી અને જમાઈની ધરપકડ, અંદાજીત 4 કરોડના 1885 કેરેટના હીરા ચોરીનો ભેદ ઉકેલાયો
બોટાદ/અમદાવાદ,18 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોટાદના હીરા બજારમાંથી બપોરના સમયે એક દુકાનમાંથી થયેલી હીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરી કરનાર પિતા, પુત્રી અને જમાઈની બાવળા રેલવે સ્ટેશન પાસેથી અટકાયત કરી છે. તેમની પાસેથી ચોરી થયેલા હીરા ઉપરાંત કુલ 1885.75 કેરેટના કાચા હીરા કબ્જે કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 3થી 4 કરોડ આંકવામાં આવી રહી છે.
ઘટનાની વિગત મુજબ, બોટાદમાં હીરાની દુકાન ધરાવતા અશોકભાઈ અને રસિકભાઈ બપોરે જમવા ગયા ત્યારે, આરોપીઓએ પાછળના દરવાજાથી અંદર ઘૂસીને 43.11 લાખની કિંમતના 1437 કેરેટ હીરાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ આરોપીઓ રિક્ષામાં બેસી બોટાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ટ્રેન મારફતે અમદાવાદ તરફ ભાગી રહ્યા હતા.
આ અંગે બોટાદ પોલીસે સીસીટીવી ફૂટેજ, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી.
પોલીસે આરપીએફ અને અન્ય ટીમો સાથે મળીને બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનો પર નાકાબંધી હાથ ધરી હતી, જેના આધારે બાવળા રેલવે સ્ટેશન પાસેથી બચ્ચુ સાડમિયા, તેમની પુત્રી સપનાબેન અને જમાઈ વીના જીલિયાને દબોચી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ પૈકી બચુભાઈ સામે, મોરબીમાં અગાઉ 4 ગુના અને સપનાબેન સામે જેતપુર તથા કાલાવડમાં 2 ગુના નોંધાયેલા છે.
આ ગેંગ મૂળ ઘરફોડ ચોરી કરવા નીકળી હતી પરંતુ મોકો મળતાં હીરાની દુકાનને નિશાન બનાવી હતી. હાલ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની તપાસ ચાલુ રાખી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ