વડોદરામાં 17 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગેંગના 3 આરોપી અને સગીર ઝડપાયા
વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) : શહેરમાં છેલ્લા બે મહિનામાં અલગ-અલગ વિસ્તારોમાં થયેલી 17 ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પોલીસે સુરતના ગુજસીટોક અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ત્રણ આરોપીઓ અને એક સગીરને ઝડપી પાડ્યા છે. પો
સીસીટીવી


સીસીટીવી


વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) : શહેરમાં છેલ્લા બે મહિનામાં અલગ-અલગ વિસ્તારોમાં થયેલી 17 ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પોલીસે સુરતના ગુજસીટોક અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ત્રણ આરોપીઓ અને એક સગીરને ઝડપી પાડ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓએ ગેંગ બનાવી રાત્રિના સમયે બાઈક પર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હતા અને બંધ મકાનોની રેકી કરતા હતા. બંધ મકાન મળી આવતા તેના તાળા-નકુચા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ કિંમતી સામાનની ચોરી કરતા હતા. આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે આશરે 300 જેટલા CCTV ફૂટેજની તપાસ કરી હતી. ટેકનિકલ માહિતી અને CCTVના આધારે તપાસ આગળ ધપાવતા પોલીસ દરજીપુરા એરફોર્સ સ્ટેશન સામેના ખુલ્લા મેદાન સુધી પહોંચી હતી, જ્યાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના સહિત રૂ.11.54 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, ત્રણ કાંડા ઘડિયાળ અને રૂ.6,900 રોકડનો સમાવેશ થાય છે. તપાસમાં આરોપીઓએ ચોરી કરેલા સોનાના દાગીના ગિરવે મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ ગેંગ દ્વારા જે.પી. રોડ, નંદેસરી, છાણી, ફતેગંજ, સમા, ગોરવા, અકોટા, ગોત્રી, બાપોદ અને કપુરાઈ સહિતના વિસ્તારોમાં ચોરી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શહેરના કુલ 10 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 17 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ઝડપાયેલા આરોપીઓમાં રોહીત ઉર્ફે મચ્છર સુરતના ગુજસીટોકના ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે. રોહીત ઉર્ફે મચ્છર સામે વડોદરા અને સુરત ખાતે ઘરફોડ ચોરી તથા વાહન ચોરી સહિતના કુલ 14 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ અને ચોરીનો વધુ મુદ્દામાલ ક્યાં છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande