

- દવાના હોલસેલ વેપાર કરવા પરવાનો આપવા 50 હજારની લાંચ માંગી 40 હજારની લાંચ લીધી
- નર્મદા અને વડોદરા એસીબીએ સંયુક્ત રેડ કરી જિલ્લાના મોટા અધિકારીને ઝડપી પાડ્યા.
ભરૂચ, 19 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. નાયબ નિયામક બળદેવ દેસાઈના સીધા સુપરવિઝન હેઠળ નર્મદા અને વડોદરા એસીબીની ટીમે સપાટો બોલાવીને ભ્રષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સના મદદનીશ કમિશનર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને દવાના હોલસેલ કરવા માટેનો પરવાનો આપવા 40 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ સફળ ટ્રેપિંગ કામગીરીથી સરકારી બાબુઓ અને લાંચિયા અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચ જિલ્લાના એક દવાના વેપારીએ મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ ખાતે દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે અરજી કરેલ હતી. દવાના પરવાના આપવા બાબતે સુરભીબેન દેસાઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે વેપારીને તમારા લાઈસન્સની પ્રક્રિયા થઈ જશે પરંતુ 40 થી 50 હજાર રૂપીયા પ્રકાશ પોસનાની મદદનીશ કમિશ્નર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભરૂચને આપવા પડશે તેવી લાંચની માંગણી કરેલ હતી. આ 50 હજાર વેપારી આપવા નહી માંગતા તેણે નર્મદા એસીબી પીઆઈ ડી.ડી.વસાવાને ફરિયાદ આપતા પોલીસે મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ મદદનીશ કમિશ્નરની ચેમ્બરમાં રેડ પાડી રંગેહાથ 40 હજારની લાંચ લેતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભરૂચના મદદનીશ કમિશ્નર પ્રકાશ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈને ઝડપી પાડ્યા હતા.
સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ અને સુપરવિઝન બી.એમ. પટેલ ઈનચાર્જ મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
એસીબી વડોદરા એકમ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં અને નાગરિકો પાસેથી ગેરકાયદેસર નાણાં માંગતા અધિકારીઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ