ગાંધીનગર ખાતે ‘બ્રિક્સ યુથ સમિટ’નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રારંભ
- કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસેની પ્રેરક ઉપસ્થિતિ ગાંધીનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલ”ના શુભારંભ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસેની પ્રેરક ઉપસ્થિતિ

ગાંધીનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલ”ના શુભારંભ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વભરમાંથી આવેલા યુવા પ્રતિનિધિઓને ગુજરાતમાં આવકારો આપી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનો માત્ર રાષ્ટ્રનું ભવિષ્ય જ નથી, પરંતુ દેશનો મજબૂત વર્તમાન અને સૌથી મોટી શક્તિ છે.

સમારોહને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, બ્રિક્સ રાષ્ટ્રો વિશ્વની કુલ વસ્તીના ૪૯.૫ ટકા અને વૈશ્વિક GDPમાં અંદાજે ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. આ દેશોની અડધાથી વધુ વસ્તી ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા શક્તિને રાષ્ટ્ર શક્તિમાં બદલવા માટે શરૂ કરેલા અભિયાનનું કેન્દ્ર ગુજરાત છે.

ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગુજરાતે ચરખાથી લઈને ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટરથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધીની અભૂતપૂર્વ સફર ખેડી છે. ટેક્નોલોજી આધારિત વિકાસ વચ્ચે પણ ગુજરાત પોતાની વિરાસતને ભૂલ્યા વગર આકાશ આંબી રહ્યું છે.

સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે યુવા સાહસિકો માટે ‘ગુજરાત STI પોલિસી ૨૦૨૬-૩૧’ લોન્ચ કરી છે, જે અંતર્ગત રૂ. ૧,૦૦૦ કરોડનું ઇનોવેશન ફંડ ફાળવવામાં આવ્યું છે. આ ફંડ દેશ અને વિદેશના તમામ યુવા ઉદ્યોગસાહસિકો માટે ઉપલબ્ધ છે.

સંઘવીએ ગુજરાતના યુવા સ્વિમર આરુષ વણઝારાની સંઘર્ષગાથાનું ઉદાહરણ આપતા કહ્યું કે, સાંભળી ન શકતા હોવા છતાં, બઝરનો અવાજ સાંભળ્યા વિના જ આરુષે નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. સંઘવીએ યુવાનોને શીખ આપી કે, મુશ્કેલીઓ તમારી ઓળખ ન બનવી જોઈએ, પરંતુ તેને અવગણીને આગળ વધવું એ જ સાચી સફળતા છે.

આજે ‘વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે’ અને આવતીકાલે ‘અક્ષય ઊર્જા દિવસ’ના સંયોગને ટાંકીને તેમણે જણાવ્યું કે, આજનો વિકાસ આગામી પેઢીના પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ. આજે ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ૩૩.૩૯ ગીગાવાટને પાર કરી ગઈ છે, જે રાજ્ય સરકારના મક્કમ નિર્ધારનું પરિણામ છે.

સમિટના ભાગરૂપે યુવા પ્રતિનિધિઓ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે. સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર ૧૮ મહિનામાં ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, જેની ગાથા આ યુવાનો જાણશે. આ તકે તેમણે યુવાનોને સ્થાનિક આદિવાસી ભોજનનો સ્વાદ માણવા અને ભારતની વિવિધતાનો અનુભવ કરવા પણ અનુરોધ કર્યો હતો.

અંતમાં, સંઘવીએ યુવાનોને આ સમિટ દ્વારા માત્ર સંપર્કો જ નહીં, પરંતુ સીમાઓથી પર જઈને મજબૂત મિત્રતા કેળવવા અને એક ટકાઉ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા શુભેચ્છા પાઠવી હતી.

આ શુભારંભ સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે દ્વારા પણ પ્રાસંગિક સંબોધન કરીને યુવાશક્તિને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ‘ફ્રેન્ડ્સ ઓફ માય ભારત’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને ‘ડિજિટલ કોમ્પેન્ડિયમ ઓફ વોલન્ટિયરિંગ પ્રેક્ટિસીસ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ હેમાંગ જોષી, ગુજરાતના કાર્યકારી મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના અધિક સચિવ નિતેશ કુમાર મિશ્રા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, બ્રિક્સના યુવા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande