વડોદરામાં ‘ક્લિક-13’ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન, શહેરની યાદગાર ક્ષણોનું જીવંત દસ્તાવેજીકરણ
વડોદરા , 19 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે યોજાનારા આ પ્રદર્શનને ‘ક્લિક-13’ ના
વિશ્વ ફોટોગ્રાફી દિવસ


વિશ્વ ફોટોગ્રાફી દિવસ


વડોદરા , 19 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે યોજાનારા આ પ્રદર્શનને ‘ક્લિક-13’ નામ આપવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં વડોદરાના વિવિધ અગ્રણી દૈનિક અખબારો સાથે સંકળાયેલા 11 ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા લેવામાં આવેલી પસંદગીની 88 તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતા મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે ડેપ્યુટી મેયર સહિત ઇસ્કોનના મહંત, સિનિયર ધારાશાસ્ત્રીઓ, રાજકીય આગેવાનો તેમજ BRG ગ્રુપના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ફોટોગ્રાફી માત્ર તસવીર ખેંચવાની કળા નથી, પરંતુ સમયની એક ક્ષણને હંમેશ માટે સાચવી રાખતી દ્રશ્ય ભાષા છે. ફોટો જર્નાલિસ્ટ્સ પોતાના કેમેરા દ્વારા સમાજજીવનની વિવિધ ઘટનાઓ, માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વારસો, વિકાસકાર્યો, કુદરતી સૌંદર્ય તેમજ શહેરના બદલાતા સ્વરૂપને કંડારે છે. આ તસવીરો કોઈ ઘટનાની માત્ર સાક્ષી જ નથી બનતી, પરંતુ આવનારી પેઢી માટે સમયના જીવંત દસ્તાવેજ બની રહે છે.

આકૃતિ આર્ટ ગેલેરી, કીર્તિ મંદિર ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં મુલાકાતીઓને વિવિધ ક્ષેત્રની અનોખી તસવીરો નિહાળવાની સાથે દરેક તસવીર પાછળની ઘટના, ક્ષણ અને ફોટોગ્રાફરની દૃષ્ટિને સમજવાની તક મળશે.

ત્રણ દિવસ ચાલનારા આ ફોટોગ્રાફી પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક છે. કલાપ્રેમીઓ અને ફોટોગ્રાફીના રસિકો સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકશે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande