
ભાવનગર, 19 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા નાગરિકો તથા વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગરથી ગાંધીનગર વચ્ચે દૈનિક સીધી એ.સી. બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસ સેવા 20 ઓગસ્ટ, ગુરુવારથી શરૂ થશે.
નવી બસ સેવા હેઠળ ભાવનગરથી સવારે 6:30 કલાકે બસ ઉપડશે, જ્યારે ગાંધીનગરથી સાંજે 6:15 કલાક બાદ પરત બસ સેવા ઉપલબ્ધ રહેશે. બંને શહેરો વચ્ચેનો મુસાફરી સમય આશરે 3 કલાક 45 મિનિટનો રહેશે.
બસ ભાવનગરથી ઉપડી ભાવનગર પ્રેસ, નારી ચોકડી, ધોલેરા એક્સપ્રેસ હાઇવે ચોકડી, સરખેજ, ઇસ્કોન, હાઇકોર્ટ, અડાલજ ચોકડી અને સરગાસણ ચોકડી જેવા સ્ટોપેજ પરથી પસાર થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે.
સીધી બસ સેવા શરૂ થવાથી ભાવનગર અને આસપાસના વિસ્તારોમાંથી ગાંધીનગર ખાતે નોકરી, શિક્ષણ, સરકારી કામકાજ સહિતના હેતુઓ માટે જતા લોકોને મોટી રાહત મળશે. મુસાફરોને વારંવાર વાહન બદલવાની જરૂર નહીં પડે અને અમદાવાદના બાપુનગર-કૃષ્ણનગર વિસ્તારમાં ટ્રાફિકના કારણે થતો સમયનો વ્યય પણ ઘટશે.
આ સેવા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને દૈનિક મુસાફરી કરતા લોકો માટે ખાસ ઉપયોગી બનશે. સમય, ઊર્જા અને ઇંધણની બચત સાથે ભાવનગર-ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ સરળ, ઝડપી અને આરામદાયક બનશે.
આ સેવા માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરી હતી. માંગણી સ્વીકારાતા નિમુબેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA