સોમનાથ મંદિર પાસે મધ્યરાત્રિના સમયે ડિમોલિશન, ફારસી શિલાલેખ તોડી નાખ્યો
- પુરાતત્વ વિભાગનું રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું. સોમનાથ/અમદાવાદ, 19 ઑગસ્ટ (હિ.સ.) : દેશમાં જેની પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ગણના થાય છે તે સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ
Demolition near Somnath Temple at midnight, Persian inscription broken


- પુરાતત્વ વિભાગનું રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું.

સોમનાથ/અમદાવાદ, 19 ઑગસ્ટ (હિ.સ.) : દેશમાં જેની પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ગણના થાય છે તે સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા ચકચાર મચી છે.

જોકે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા ફારસી શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા છે. શિલાલેખ ક્યાં લઈ જવામાં આવ્યો છે અને હાલ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે તેનો કોઈ અટોપત્તો નથી. તંત્રના અધિકારીઓ પણ આ અંગે કાઈ ફોડ નથી પાડી રહ્યાં.

બુલડોઝર સહિતના સાધનોની મદદથી અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. દરમિયાન રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું તેવો ઉઠ્યો છે. દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાતોરાત કરવામાં આવેલી તંત્રની આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યાં છે.

આ સ્થળની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ પણ હતું. તેના પર ફારસી શિલાલેખ અંગેની માહિતી આપવામાં આવી હતી. તે મુજબ, અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમાં સુલતાન અહમદશાહ બિન મહમ્મદશાહના સમયમાં અબુલફતાએ આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવાયું હતું.

સ્થળ પર અન્ય એક શિલાલેખ અંગે જૂનાગઢ સ્ટેટના એનશન્ટ મોન્યુમેન્ટ સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરતું બોર્ડ પણ હતું, જેમાં શિલાલેખને નુકસાન પહોંચાડનાર, તેને બેડોળ બનાવનાર અથવા મૂળ સ્થાનેથી હટાવનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરવાની જોગવાઈ દર્શાવાઈ હતી.

તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારે વેચાણથી મેળવેલી મિલકતોનું જ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પણ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

સોમનાથ ખાતે મંદિર નજીક તંત્ર દ્વારા કરવામાં આવેલી ડીમોલેશનની કામગીરીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. મધ્યરાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે અને સમગ્ર કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, એક તરફ તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને બીજી તરફ મધ્યરાત્રિના સમયે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને કામગીરી કરવામાં આવી છે. જો તંત્રની કામગીરી નિયમસર અને પારદર્શક હોય તો રાત્રિના અંધારામાં કામગીરી કરવાની જરૂર શું પડી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande