ભાવ વધારાની માંગ સાથે , તળાજામાં રત્ન કલાકારોની રેલી
ભાવનગર,19 ઓગસ્ટ (હિ.સ.)તળાજા તાલુકામાં ભાવ વધારાની માંગને લઈને રત્ન કલાકારો દ્વારા એકતા સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગાઉથી ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો દ્વારા હડતાળનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદ
રત્ન કલાકાર રેલી


ભાવનગર,19 ઓગસ્ટ (હિ.સ.)તળાજા તાલુકામાં ભાવ વધારાની માંગને લઈને રત્ન કલાકારો દ્વારા એકતા સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગાઉથી ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો દ્વારા હડતાળનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનના ભાગરૂપે મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકત્રિત થઈ પોતાની વિવિધ માંગણીઓને લઈને રેલી યોજી હતી.

રેલી દરમિયાન રત્ન કલાકારોએ “રત્ન કલાકાર એકતા ઝિંદાબાદ”ના નારા લગાવી પોતાની એકતા અને માંગણીઓ રજૂ કરી હતી. રેલીની શરૂઆત તળાજાના ગોપનાથ રોડ પર, બલદાણીયા સાહેબના દવાખાના પાસેથી કરવામાં આવી હતી. ત્યાંથી રેલી બાપા સીતારામ ચોક, ગાંધીજીના પૂતળા, એપલદ્વાર અને પાલીતાણા ચોકડી થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી.

મામલતદાર કચેરી ખાતે રત્ન કલાકારોના પ્રતિનિધિઓ દ્વારા ભાવ વધારાની માંગ સહિતની વિવિધ રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રત્ન કલાકારોનું કહેવું છે કે, તેઓને પોતાની મહેનત અને કામના પ્રમાણમાં યોગ્ય વળતર મળવું જોઈએ. વર્તમાન પરિસ્થિતિમાં વધતા ખર્ચ વચ્ચે યોગ્ય ભાવ ન મળવાથી રત્ન કલાકારોની આર્થિક મુશ્કેલીઓ વધી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

પોલીસ પરમિશન સાથે યોજાયેલી આ રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં રત્ન કલાકારોની હાજરીથી, તેમની એકતા અને માંગણીઓ પ્રત્યેની ગંભીરતા જોવા મળી હતી. હવે રત્ન કલાકારોની રજૂઆત બાદ, કારખાનેદારો અને સંબંધિત તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande