
ભાવનગર, 19 ઓગસ્ટ (હિ.સ.)હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. ભાવનગર જિલ્લાના મહુવા નજીક દરિયાકાંઠે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કુદરતી ગુફામાં બિરાજમાન ભગવાન શિવના દર્શન માટે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચી રહ્યા છે.
ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પ્રાકૃતિક ગુફાની અંદર આવેલું હોવાથી તેનું વિશેષ ધાર્મિક અને કુદરતી મહત્વ છે. મંદિરની આસપાસ દરિયો, પથ્થરાળ વિસ્તાર અને રમણીય કુદરતી વાતાવરણ જોવા મળે છે. ગુફામાં પ્રવેશ કરીને મહાદેવના દર્શન કરતા ભક્તોને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. અનેક શ્રદ્ધાળુઓ અહીંના ગુફાના દૃશ્યોને અમરનાથ ધામ સાથે સરખાવે છે.
સ્થાનિક લોકવાયકા મુજબ વર્ષો પહેલાં વીજળી પડવાથી પહાડમાં વિશાળ ગુફા બની હતી. બીજી માન્યતા મુજબ મહાભારતકાળ દરમિયાન પાંડવોએ અહીં વાસ કર્યો હતો અને ગુપ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે આ બંને માન્યતાઓ લોકવાયકાના સ્વરૂપમાં પ્રચલિત છે.
દર્શનાર્થે આવેલા રમેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે મહુવા નજીક આવેલું આ સ્થળ ‘ગુપ્ત કાશી’ તરીકે ઓળખાય છે અને અહીં અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. જ્યારે અંકિતાબેને જણાવ્યું કે દરિયાકાંઠે મહાદેવના દર્શન સાથે અહીં શાંતિની અનુભૂતિ થાય છે. દરિયાની લહેરોનો અવાજ, ગુફાનું શાંત વાતાવરણ અને મહાદેવના દર્શન શ્રદ્ધાળુઓને અનોખી આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA